અમદાવાદમાં આયોજિત શાળા પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણ, સમાજસેવા અને માનવતાના અનોખા સમન્વયનો સાક્ષી બન્યો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ થલતેજની સરકારી શાળામાં હાજરી આપી બાળકો, શિક્ષકો અને વાલીઓને સંબોધતા જણાવ્યું કે ગુજરાતમાં સરકારી શાળાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ સતત મજબૂત બની રહ્યો છે અને તેનો સૌથી મોટો પુરાવો આજે પ્રવેશોત્સવમાં હસતાં-રમતાં શાળામાં પ્રવેશતા બાળકો છે.
હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ઘણી વખત મોટી ખાનગી શાળાઓમાં બાળકો પ્રથમ દિવસે રડતાં જોવા મળે છે, પરંતુ ગુજરાતની સરકારી શાળાઓમાં બાળકો આનંદ અને ઉત્સાહ સાથે પ્રવેશ કરે છે. તેમણે આ બદલાવને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષણ પ્રત્યેના લાંબા ગાળાના દૃષ્ટિકોણ અને રાજ્યમાં વર્ષોથી ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અભિયાનનું પરિણામ ગણાવ્યું. તેમણે કહ્યું કે આ કારણે જ કાર્યક્રમને ‘શાળા પ્રવેશોત્સવ’ નામ આપવામાં આવ્યું છે, કારણ કે અહીં પ્રવેશ એક ઉત્સવ સમાન બની ગયો છે.
આ પણ વાંચો: જામનગરની જાણીતી કંપની સાથે રૂ. 20 કરોડથી વધુની છેતરપિંડી : ગાંધીધામના ઉદ્યોગપતિ સામે નોંધાઈ ફરિયાદ
રાજ્યભરમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વડનગરથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને અંબાજીથી લઈને ઉમરગામ સુધી રાજ્યના દરેક ખૂણે આ કાર્યક્રમ યોજાયો છે. રાજ્ય સરકારના મંત્રીઓ, અધિકારીઓ અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ શાળાઓની મુલાકાત લઈને શૈક્ષણિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે શાળાઓમાં જો કોઈ પ્રકારની તકલીફ, સુવિધાની ખામી અથવા અન્ય સમસ્યા જોવા મળશે તો તેના ઝડપી નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારનો હેતુ માત્ર બાળકોનો પ્રવેશ કરાવવાનો નથી, પરંતુ તેમને ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. હર્ષ સંઘવીએ બાળકોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે આજે શાળામાં પ્રવેશ લેનાર બાળકોમાંથી જ ભવિષ્યમાં કોઈ અધિકારી, શિક્ષક, વૈજ્ઞાનિક કે સમાજના નેતા બનીને આ જ મંચ પર બેસશે અને આગામી પેઢીને શિક્ષણ તરફ દોરી જશે. તેમણે બાળકોના આત્મવિશ્વાસ અને સરકારી શાળાઓ પ્રત્યેના વિશ્વાસને અદ્ભુત ગણાવ્યો.
બાળકોને હેલ્મેટ અંગે ખાસ સંદેશ
કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ માર્ગ સુરક્ષાને લઈને પણ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. તેમણે બાળકોને અપીલ કરી કે જ્યારે તેમના માતા-પિતા ઘરેથી બહાર નીકળે ત્યારે તેઓને હેલ્મેટ પહેરવાની ફરજિયાત યાદ અપાવે. તેમણે કહ્યું કે માર્ગ પર દરેક જગ્યાએ પોલીસ ઉભી રાખવી શક્ય નથી, પરંતુ દરેક ઘરમાં બાળકો જ સુરક્ષાના સાચા પ્રહરી બની શકે છે. તેમણે જણાવ્યું કે જો બાળકો પોતાના માતા-પિતાને હેલ્મેટ પહેરવા માટે સતત કહેતા રહેશે તો માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવામાં મોટી મદદ મળશે. તેમના મુજબ બાળકો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સૌથી શક્તિશાળી માધ્યમ બની શકે છે.
ભિક્ષાવૃત્તિમાંથી શિક્ષણ તરફ: અમદાવાદ પોલીસની અનોખી કામગીરી
કાર્યક્રમનો સૌથી ભાવનાત્મક અને ચર્ચાસ્પદ પાસો અમદાવાદ પોલીસ દ્વારા ચલાવવામાં આવતું ભિક્ષા મુક્તિ અભિયાન રહ્યું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત જ નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એટલી મોટી સંખ્યામાં બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવીને શાળામાં પ્રવેશ અપાવવાનો પ્રયાસ સફળ બન્યો છે. તેમણે અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે કુલ 276 બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી બહાર કાઢીને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવ્યા છે. આ બાળકો માટે શાળાનો પ્રથમ દિવસ માત્ર એક શૈક્ષણિક શરૂઆત નહોતી, પરંતુ તેમના જીવનનો એક નવો જન્મ સમાન હતો. વર્ષો સુધી ટ્રાફિક સિગ્નલો પર ભિક્ષા માંગીને જીવન જીવતા બાળકો માટે શિક્ષણનો માર્ગ ખૂલવો એ એક મોટી સામાજિક સિદ્ધિ ગણાવી શકાય. આવા બાળકોને શાળાની ઘંટડીનો અવાજ ક્યારેય સાંભળવાનો મોકો મળ્યો નહોતો. તેઓ માટે જીવનનો અર્થ માત્ર ટ્રાફિક સિગ્નલની લાલ અને લીલી લાઇટ અને વાહનો વચ્ચે પસાર થતા દિવસો સુધી મર્યાદિત હતો.
આ પણ વાંચો: AAP ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાયા! : ભરૂચ કોર્ટે પોલીસની છબી ખરડવાના નિવેદન બદલ મોકલ્યું તેડું
કટોરાથી પુસ્તક સુધીનો સફર
અમદાવાદ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા અભિયાન અંતર્ગત એવા બાળકો સુધી પહોંચવામાં આવ્યું જેમના હાથમાં વર્ષોથી ભિક્ષાનું કટોરું હતું. હવે એ જ હાથમાં પુસ્તક અને પેન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ આ પહેલને માનવતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવી હતી.
માહિતી મુજબ, આ બાળકોમાં મોટા ભાગના બાળકો અન્ય રાજ્યોમાંથી આવેલા છે. કેટલાક બાળકો એવા પણ હતા જેઓ પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. અભિયાન દરમિયાન 33 બાળકોને તેમના પરિવાર સાથે ફરીથી જોડવામાં સફળતા મળી છે. આ કામગીરી માત્ર કાયદો અને વ્યવસ્થા પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ સામાજિક જવાબદારીના ઉત્તમ ઉદાહરણ તરીકે સામે આવી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમદાવાદ પોલીસ વર્ષ 2022થી આ કામગીરી નિયમિત રીતે કરી રહી છે. માત્ર બાળકોને શાળામાં દાખલ કરાવવાનું જ નહીં, પરંતુ તેઓ નિયમિત રીતે ભણી રહ્યા છે કે નહીં, તેમને કોઈ હેરાનગતિ તો નથી થતી ને, તેમજ તેમના સર્વાંગી વિકાસ પર પણ નજર રાખવામાં આવે છે.
સતત દેખરેખ અને ભવિષ્ય માટે સંકલ્પ
ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને સૂચના આપી કે આ કામગીરીને એક વખતના અભિયાન તરીકે ન જોવી જોઈએ. ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા તમામ બાળકો પર સતત નજર રાખવી જરૂરી છે જેથી તેઓ ફરીથી એ જ પરિસ્થિતિમાં પાછા ન જાય. તેમણે બાળકોના શિક્ષણ અને પુનર્વસન માટે સતત મોનિટરિંગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે અમદાવાદ પોલીસ, અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ સંયુક્ત પ્રયાસો કરીને જે કાર્ય કર્યું છે તે અનેક બાળકોના ભવિષ્યને નવી દિશા આપનારું સાબિત થશે. શિક્ષણ દ્વારા સમાજના સૌથી વંચિત વર્ગ સુધી વિકાસના લાભ પહોંચાડવાનો આ પ્રયાસ લાંબા ગાળે સમાજ માટે પણ લાભદાયી બનશે.






