અમદાવાદના વાડજ વિસ્તારમાં દધીચિ બ્રિજ પર ગઈકાલે રાત્રે એક ગંભીર ઘટના બની હતી. એક યુવક બ્રિજની રેલિંગ પાર કરીને સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કરવા ગયો હતો. બ્રિજની પાળી પર લગાવેલી સુરક્ષિત જાળી પણ ક્રોસ કરીને તે નદીમાં ઝંપલાવાની તૈયારીમાં હતો.
JCB પર ચડીને યુવકનો બચાવ્યો જીવ
ઘટનાના સમયે ત્યાં હાજર રહેલા લોકોની સતર્કતાએ એક મોટું અનિષ્ટ ટળી ગયું. લોકોએ તરત જ યુવકને પકડવાનો પ્રયાસ કર્યો અને સાથે જ ફાયરબ્રિગેડને પણ તાત્કાલિક જાણ કરી. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ત્યાંથી પસાર થતી એક JCBને રોકવામાં આવી હતી. જાહેરજનોએ JCBને બ્રિજ પાસે લાવી, તેના પર ચડીને યુવક સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. JCB પર ત્રણ યુવાન અને બ્રિજની રેલિંગ પર એક યુવાન ચડીને મળીને યુવકને ઉપર ખેંચી સુરક્ષિત રીતે બચાવી લીધો. આ સમગ્ર ઘટના થોડા જ મિનિટોમાં બની ગઈ પરંતુ તેમાં અનેક લોકોનો હિંમતભર્યો સહયોગ હતો.
યુવકે કપડાં બાંધીને કૂદવા માટે તૈયારી કરી હતી
માહિતી પ્રમાણે, યુવકે રેલિંગ પર પોતાના કપડાં બાંધીને કૂદવા માટે તૈયારી કરી હતી. પરંતુ લોકોની ઝડપી કામગીરી અને JCB ચાલકના સહકારથી એક યુવકનો જીવ બચાવી લેવાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જીવ બચાવવા લોકોનો પ્રાણપણે કરેલો પ્રયાસ સ્પષ્ટ દેખાય છે. સ્થળ પર ભયાવહ વાતાવરણ છવાઈ ગયું હતું, પરંતુ માનવતાના ઉદાહરણરૂપ બનેલી આ ઘટનાએ અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી છે.






