મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી નવલોકાર્પિત ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈને તેમના આગામી કાર્યક્રમ માટે રવાના થયા હતા.
નારણપુરાથી સોલા સાયન્સ સિટી તરફના રોડ પર સતાધાર ચાર રસ્તા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂપિયા 90 કરોડના ખર્ચે ફોરલેન ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. 936 મીટર લંબાઈ અને 16.60 મીટર પહોળાઈ ધરાવતો આ ફ્લાયઓવર બ્રિજ બનતાં ટ્રાફિકની સમસ્યામાં ખૂબ મોટી રાહત મળશે. સતાધાર ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થતાં વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સતાધાર જંક્શન પર ફ્લાયઓવર બનાવવાનું સૂચન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ઓવરબ્રિજનો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
વધુ વાંચો : ઓટોમોબાઇલ પછી હવે સેમિકન્ડક્ટરમાં સાણંદનો ડંકો : PM મોદી ₹3300 કરોડના Kaynes Semicon OSAT પ્લાન્ટનું કરશે લોકાર્પણ
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા, સ્થાનિક ધારાસભ્યઓ, અમ્યુકોના વહીવટદાર મૂકેશ કુમાર, કમિશનર બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓ, અમ્યુકોના ભૂતપૂર્વ પદાધિકારીઓ તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.





