છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં ચાલી રહેલા વિકાસકાર્ય દરમિયાન સરકારી વિભાગો વચ્ચેના સંકલનના અભાવનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. રાજ્ય માર્ગ અને મકાન (R&B) વિભાગ દ્વારા અંદાજે રૂ.8 કરોડના ખર્ચે 2 કિલોમીટર લાંબા RCC રોડના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, રોડના માર્ગમાં આવતાં અંદાજે 100 જેટલા વીજ પોલ હટાવવાના મુદ્દે વિવાદ ઊભો થતાં સમગ્ર પ્રોજેક્ટ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
માહિતી અનુસાર, રોડના નિર્માણમાં અવરોધરૂપ બની રહેલા વીજ પોલ હટાવવા માટે R&B વિભાગે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ને લેખિત રજૂઆત કરી હતી. તેના જવાબમાં MGVCL દ્વારા વીજ પોલ અને સંબંધિત વીજલાઈનો ખસેડવા માટે અંદાજે રૂ.2 કરોડનો ખર્ચ દર્શાવતું એસ્ટિમેટ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ રકમને લઈને હવે પ્રશ્નો ઊભા થયા છે અને બંને વિભાગો વચ્ચે મતભેદની સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળે છે.
વીજ પોલ ખસેડવાના ખર્ચે સર્જ્યો વિવાદ
સ્થાનિક સ્ત્રોતોના જણાવ્યા મુજબ, રૂ.8 કરોડના રોડ પ્રોજેક્ટમાં માત્ર વીજ પોલ ખસેડવા માટે રૂ.2 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવતા R&B વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે. રોડ નિર્માણ માટે ફાળવવામાં આવેલા બજેટમાંથી આટલી મોટી રકમ વીજ પોલ સ્થળાંતર પાછળ ખર્ચવી વ્યવહારુ છે કે નહીં તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન બંને વિભાગો વચ્ચે જરૂરી સંકલન અને સમયસર નિર્ણય ન લેવાતા વિકાસકાર્ય પ્રભાવિત થયું હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. સરકારી વિભાગો વચ્ચેના સંવાદના અભાવને કારણે આખરે પ્રોજેક્ટ અધવચ્ચે અટવાઈ જવાની સ્થિતિ ઊભી થઈ હતી.
આ પણ વાંચો: કોણ છે શાતિર સિયા? : ઉદયપુરમાં ભવ્ય લગ્ન થવાના હતા પણ કરોડોની વારસદારે મોતનો ખેલ ખેલ્યો
વીજ પોલ વચ્ચે રાખીને શરૂ કરાયું રોડ નિર્માણ
સ્થાનિકોમાં લાંબા સમયથી રોડ નિર્માણની માંગ ઉઠી રહી હતી. રસ્તાની ખરાબ હાલતને કારણે લોકોમાં અસંતોષ પણ વધતો હતો. બીજી તરફ વીજ પોલ ખસેડવાના મુદ્દે કોઈ ઉકેલ ન આવતા અને કામમાં વધુ વિલંબ ન થાય તે માટે R&B વિભાગે રસ્તાની વચ્ચે આવેલા વીજ પોલ યથાવત રાખીને RCC રોડનું કામ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળે છે. હાલ સ્થિતિ એવી છે કે નવા નિર્માણાધીન માર્ગની વચ્ચે અનેક વીજ પોલ ઉભા જોવા મળી રહ્યા છે. જેના કારણે માર્ગની સુરક્ષા અને વાહનવ્યવહાર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોનું માનવું છે કે આ પ્રકારની સ્થિતિ કોઈપણ સમયે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.
અકસ્માતના ભયથી સ્થાનિકોમાં ચિંતા
ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી માર્ગ પર વાહનોની અવરજવર દરમિયાન અકસ્માતની શક્યતા વધુ વધી શકે છે. રસ્તાની વચ્ચે આવેલા વીજ પોલ ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે જોખમરૂપ બની શકે છે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના નામે બનતો માર્ગ જો સુરક્ષિત ન હોય તો તેનો હેતુ જ નિષ્ફળ બની જાય. રસ્તાની વચ્ચે ઉભેલા લાઈવ વીજ પોલને કારણે બે-વ્હીલર, કાર તેમજ ભારે વાહનચાલકો માટે જોખમ વધ્યું છે. કેટલાક લોકોએ આ સ્થિતિને "મોતના કૂવા સમાન" ગણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: પિટબુલથી કરડાવ્યા, બંધક બનાવી હંટર માર્યા! : મીઠું-રોટલી ખવડાવી 24 કલાક મજૂરોને કરાવતા હતા આવું કામ, ચોંકાવનારો કિસ્સો
ઉચ્ચ કક્ષાએ હસ્તક્ષેપની માંગ
કવાંટના રહેવાસીઓએ રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. લોકોનું કહેવું છે કે R&B વિભાગ અને MGVCL વચ્ચેના મતભેદનો ભોગ સામાન્ય નાગરિકો ન બને. રોડ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે પહેલાં વીજ પોલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવે અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. હાલ સમગ્ર મામલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. વિકાસકાર્યોમાં સંકલનના અભાવ અને આયોજનની ખામીના કારણે ઉભી થયેલી આ સ્થિતિમાં હવે સંબંધિત વિભાગો શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.






