ગુજરાતના ઔદ્યોગિક નકશામાં એક ઐતિહાસિક ક્ષણ આવવાની છે. 31 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ ખાતે ₹3300 કરોડના ખર્ચે ઉભી થનાર Kaynes Semicon ની OSAT (Outsourced Semiconductor Assembly and Test) સુવિધાનો શુભારંભ કરાવશે. આ પ્રોજેક્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશન હેઠળ એક મહત્વપૂર્ણ પગલું છે, જે દેશને ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં મજબૂત આધાર પૂરું પાડશે.
શું છે OSAT પ્લાન્ટ અને કેમ મહત્વપૂર્ણ?
OSAT એટલે કે Outsourced Semiconductor Assembly and Test પ્લાન્ટમાં ચિપ્સનું ટેસ્ટિંગ, પેકેજિંગ અને માર્કેટ માટે તૈયાર કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. સાણંદમાં શરૂ થનાર આ પ્લાન્ટમાં દરરોજ અંદાજે 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થશે.
આ પ્રકારની સુવિધા સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનમાં અત્યંત મહત્વપૂર્ણ કડી છે, કારણ કે ડિઝાઇન અને ફેબ્રિકેશન બાદ ચિપ્સને બજારમાં પહોંચાડવા માટે આ સ્ટેજ અનિવાર્ય હોય છે.
900 દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ: ભારતની ઝડપી પ્રગતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન સમયે જણાવ્યું હતું કે, જૂન 2023 માં MoU થી શરૂ થયેલી પ્રક્રિયા ફેબ્રુઆરી 2026માં કોમર્શિયલ પ્રોડક્શન સુધી પહોંચી — એટલે કે માત્ર 900 દિવસમાં. આ સમયગાળો વિશ્વના વિકસિત દેશો માટે પણ એક ઉદાહરણરૂપ છે, જ્યાં આવા પ્રોજેક્ટ્સને પૂર્ણ થવામાં વર્ષો લાગી જાય છે. ભારતે ઝડપ, નીતિ સ્પષ્ટતા અને સંકલન દ્વારા આ સિદ્ધિ મેળવી છે.
સાણંદ: ઓટોમોબાઇલ હબથી સેમિકન્ડક્ટર હબ સુધી
સાણંદ જે એક સમયે ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે જાણીતું હતું, હવે સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે. માઇક્રોન ટેકનોલોજી, Kaynes Semicon અને CG Semi જેવા મોટા પ્રોજેક્ટ્સ અહીં સ્થાપિત થઈ રહ્યા છે. તાઈવાનના સિંશું અને દક્ષિણ કોરિયાના ગ્યોંગી જેવા વૈશ્વિક સેમિકન્ડક્ટર હબની જેમ સાણંદ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે.
ગુજરાત સરકારની ભૂમિકા અને ઝડપી અમલીકરણ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઝડપી વિકાસ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જમીન અને નીતિ સહાય પૂરી પાડીને ઉદ્યોગોને આકર્ષ્યા છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક રોજગારીમાં વધારો થશે તેમજ આસપાસના વિસ્તારમાં સહાયક ઉદ્યોગો વિકસશે, જેનાથી સમગ્ર પ્રદેશના આર્થિક વિકાસને વેગ મળશે.
સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવા પર ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે ભારતનું લક્ષ્ય માત્ર ફેક્ટરી સ્થાપિત કરવાનું નથી, પરંતુ સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઊભું કરવાનું છે. જેમાં ડિઝાઇન એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ સમાવેશ થાય છે. ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ આ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
વધુ વાંચો: ગુજરાતમાં નવા વીજ દર જાહેર : ગ્રાહકોને સ્માર્ટ મીટર અને ગ્રીન એનર્જીમાં મળશે સૌથી મોટી રાહત
PMAY-G અને પ્રવાસન પ્રોજેક્ટ્સને પણ મળશે વેગ
31 માર્ચે વડાપ્રધાન મોદી દ્વારા અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે. જેમાં ₹651 કરોડના ખર્ચે 38,000થી વધુ આવાસો (PMAY-G હેઠળ) અને વાવ-થરાદથી ‘રાણી કી વાવ’, વડનગર અને બાલારામમાં ₹67 કરોડના પ્રવાસન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા ઉત્તર ગુજરાતમાં આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સંગમ જોવા મળશે.




