New electricity rates announced in Gujarat: ગુજરાતના વીજ ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (GERC) દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટેના નવા ટેરિફ ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ નવા દરો આગામી 01 એપ્રિલ, 2026 થી સમગ્ર રાજ્યમાં અમલી બનશે. આ વખતે આયોગે સામાન્ય જનતા અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રોત્સાહક ફેરફારો કર્યા છે. નવા ટેરિફ ઓર્ડરમાં ટેક્નોલોજી અને પર્યાવરણ સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
સ્માર્ટ મીટર ધારકોને ફાયદો
રાજ્યમાં સ્માર્ટ મીટરના ઉપયોગને વેગ આપવા માટે GERC એ રિબેટમાં વધારો કર્યો છે. અત્યાર સુધી સ્માર્ટ મીટર ધારકોને જે ૨% રિબેટ મળતું હતું, તેને વધારીને હવે ૩% રિબેટ કરી દેવામાં આવ્યું છે.
ટાઈમ ઓફ યુઝ (TOU) ડિસ્કાઉન્ટ
વીજ વપરાશના ભારણને સંતુલિત કરવા માટે 'ટાઈમ ઓફ યુઝ' યોજનામાં સુધારો કરાયો છે. ઓફ-પીક અવર્સ (જ્યારે વીજળીની માંગ ઓછી હોય) દરમિયાન વીજળી વાપરનારા ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટના કલાકોમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી ઉદ્યોગોને મોટો આર્થિક લાભ થશે.
ગ્રીન પાવર ટેરિફમાં ઘટાડો
પર્યાવરણને અનુકૂળ રહેવા અને સોલાર-વિન્ડ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન પાવર ટેરિફના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે ગ્રાહકો ખાસ ગ્રીન એનર્જીનો આગ્રહ રાખે છે, તેમને હવે ઓછી કિંમતે વીજળી મળશે.
નવા દરોની અસર
આ ફેરફારોથી મધ્યમ વર્ગ અને નાના ઉદ્યોગોને સીધો ફાયદો થવાની આશા છે. ખાસ કરીને સ્માર્ટ મીટર અપનાવનાર પરિવારો પોતાના માસિક બિલમાં ૩% સુધીની સીધી બચત કરી શકશે. સરકારનો ઉદ્દેશ્ય વધુને વધુ ગ્રાહકોને ડિજિટલ અને સ્માર્ટ ટેક્નોલોજી તરફ વાળવાનો છે. આ નવા નિયમો અને સુધારેલા દરો 01 એપ્રિલ, 2026થી આવનારા નવા બિલિંગ સાયકલમાં જોવા મળશે.






