Home Gujarat Ahmedabad Rural Court Rejects Discharge Petition Of Kartik Patel And Rahul Jain

ખ્યાતિકાંડના આરોપીઓને કોર્ટનો ઝટકો : કાર્તિક પટેલ અને રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી ફગાવી, 6070 પાનાની ચાર્જશીટ દાખલ

ખ્યાતિકાંડના આરોપીઓને કોર્ટનો ઝટકો
Published by: OBS Bureau
Last Updated: Dec 21, 2025, 11:28 AM IST

અમદાવાદના બહુચર્ચિત ‘ખ્યાતિ કાંડ’ માં આરોપીઓને કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. દર્દીઓની ખોટી રીતે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી બે લોકોના મોત થવાના કેસમાં રાહુલ જૈન અને કાર્તિક પટેલની ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને મુખ્ય કિંગપિન કાર્તિક પટેલ સામે 6070 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં 30 મહત્વના સાક્ષી અને 7 સાક્ષીના મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદનોનો સમાવેશ થાય છે.

સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓએ ગરીબ અને અભણ દર્દીઓને બીમારી અને ડરના નામે ડરાવી મોટો આર્થિક લાભ મેળવ્યો છે. કાવતરાના ભાગરૂપે દર્દીઓને હોસ્પિટલમાં લાવી ખોટી રીતે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી સહિતની સર્જરી કરાવવામાં આવતી હતી, જેની સંપૂર્ણ જાણકારી આરોપીઓને હતી. છતાં, તેમણે આ કૌભાંડમાં સક્રિય મદદગારી કરી હતી.

આ કેસમાં આરોપીઓનો મુખ્ય હેતુ સરકારની PMJAY યોજનાનો ગેરલાભ મેળવવાનો હોવાનું બહાર આવ્યું છે. કાર્તિક પટેલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લગભગ 50.98 ટકા હિસ્સો ધરાવે છે અને હોસ્પિટલના તમામ આર્થિક વ્યવહારો તેના માર્ગદર્શન હેઠળ ચાલતા હતા. ઓડિટ રિપોર્ટ અને આર્થિક દસ્તાવેજો આ બાબતે મહત્વના પુરાવા ગણાય છે.

ચાર્જશીટ મુજબ, આરોપીઓએ સરકારી વેબસાઈટ સાથે ચેડા કરી આયુષ્યમાન કાર્ડ ન ધરાવતા લોકો માટે પણ અન્યના ડેટાનો ઉપયોગ કરીને કાર્ડ તૈયાર કરાવ્યા હતા. પૂર્વયોજિત ગુનાહિત કાવતરું રચીને માનવ જીવનનું અવમૂલ્યન કરી આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કોર્ટનું માનવું છે કે ચાર્જશીટમાં આરોપીઓ સામે પૂરતા પુરાવા છે અને રાહુલ જૈનની પણ નોંધપાત્ર સંડોવણી દેખાઈ આવે છે. આરોપીઓ ટ્રાયલ લંબાવવા પ્રયાસ કરી રહ્યા હોવા છતાં, આવા ગંભીર કેસમાં તેમને ડિસ્ચાર્જ કરી શકાય નહીં, એમ કહી કોર્ટએ તેમની અરજી ફગાવી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now