Home Gujarat Ahmedabad Ahmedabad Potholes Monsoon Amc Road Repair Update

અમદાવાદ ફરી બન્યું ‘ખાડાનગર’! : ચોમાસાની શરૂઆતમાં જ 1416 પોટહોલ્સ સામે આવ્યા, સૌથી ખરાબ હાલત આ ઝોનની

Ahmedabad Potholes
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: Jul 04, 2026, 05:09 AM IST

Ahmedabad Potholes: ચોમાસાની શરૂઆત સાથે જ અમદાવાદના રસ્તાઓની હાલત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. શહેરમાં વરસાદી માહોલ જામતા જ અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડાઓ પડવાની સમસ્યા સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સત્તાવાર આંકડા મુજબ, શહેરમાં અત્યાર સુધીમાં કુલ 1416 પોટહોલ્સ એટલે કે ખાડા નોંધાયા છે, જેમાં પશ્ચિમ અને ઉત્તર ઝોન સૌથી વધુ પ્રભાવિત બન્યા છે. દર વર્ષે ચોમાસા દરમિયાન રસ્તાઓની ખરાબ હાલતને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મુખ્ય માર્ગો, આંતરિક સોસાયટી રોડ અને ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં ખાડાઓને કારણે અકસ્માતનો ભય વધે છે. આ સ્થિતિ વચ્ચે AMCએ દાવો કર્યો છે કે નોંધાયેલા મોટાભાગના ખાડાઓનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને બાકીની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.

શહેરમાં 1416 ખાડા નોંધાયા, પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ અસર

AMCના મોનસૂન કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ શહેરમાં નોંધાયેલા કુલ 1416 પોટહોલ્સમાંથી સૌથી વધુ 477 ખાડા પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. ત્યારબાદ ઉત્તર ઝોનમાં 377 ખાડાઓ નોંધાતા આ વિસ્તાર પણ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સામેલ થયો છે. તે ઉપરાંત પૂર્વ ઝોનમાં 216, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 215, દક્ષિણ ઝોનમાં 73, મધ્ય ઝોનમાં 32 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 24 ખાડા નોંધાયા છે. શહેરના બ્રિજ ઉપર પણ બે પોટહોલ્સ નોંધાયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ચોમાસાની શરૂઆતમાં જ આટલી મોટી સંખ્યામાં ખાડાઓ નોંધાતા શહેરના માર્ગ માળખાની ગુણવત્તા અને પ્રી-મોન્સૂન કામગીરી અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે.

આ પણ વાંચો: કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ફાયરિંગથી દોડધામ : PAC જવાનની બંદૂકમાંથી છૂટી ગોળી, ત્રણ લોકો થયા ઈજાગ્રસ્ત

1310 ખાડાઓનું સમારકામ પૂર્ણ, 106 સ્થળે કામગીરી ચાલુ

મ્યુનિસિપલ તંત્રના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં નોંધાયેલા 1416 ખાડાઓમાંથી 1310 પોટહોલ્સનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બાકીના 106 ખાડાઓને પુરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. AMCનું કહેવું છે કે, વરસાદ વચ્ચે પણ રસ્તાઓને ઝડપથી મરામત કરવા માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે અને નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે.

આધુનિક ટેક્નોલોજીથી પેચવર્કની કામગીરી

ખાડાઓની મરામત માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં કોલ્ડ ઈમલ્શન ઈન્જેક્શન પેચિંગ ટેક્નોલોજી આધારિત જેટ પેચર મશીનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વેટ મિક્સ, કોલ્ડ મિક્સ, હોટ મિક્સ તેમજ ઈન્ફ્રારેડ ટેક્નોલોજીની મદદથી પણ રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. નાગરિકોની ફરિયાદો મળતાની સાથે જ સંબંધિત સ્થળે જરૂરી સામગ્રી પહોંચાડીને તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવે છે. તંત્રનું કહેવું છે કે, ટેક્નોલોજીના ઉપયોગથી ખાડા પુરવાની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બની રહી છે, જેથી વરસાદી માહોલ વચ્ચે પણ રસ્તાઓને વાહન વ્યવહાર માટે યોગ્ય સ્થિતિમાં રાખી શકાય.

આ પણ વાંચો: પ્રેમ, વિશ્વાસ અને પછી મોત... : આગ્રામાં પત્નીએ પતિને ખીર ખવડાવી રચ્યો રક્તરંજિત ખેલ

પશ્ચિમ અમદાવાદમાં નોંધાયો વરસાદ

AMCના વરસાદી આંકડા અનુસાર 2 જુલાઈ સાંજે 4 વાગ્યાથી 3 જુલાઈ સવારે 10 વાગ્યા દરમિયાન શહેરના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 20.14 મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2.57 મિ.મી. વરસાદ પડ્યો હતો. પશ્ચિમ ઝોનમાં 0.14 મિ.મી. વરસાદ નોંધાયો હતો. બીજી તરફ પૂર્વ ઝોનમાં આ સમયગાળા દરમિયાન વરસાદ નોંધાયો ન હોવાનું જણાવાયું છે. વરસાદના પ્રારંભિક તબક્કામાં જ રસ્તાઓ પર ખાડાઓની સમસ્યા ઊભી થતાં આગામી દિવસોમાં વધુ વરસાદ બાદ સ્થિતિ કેવી રહેશે તે અંગે વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.

ચોમાસા પૂર્વે 2699 વૃક્ષોનું ટ્રિમિંગ પૂર્ણ

ચોમાસા દરમિયાન વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ ટાળવા માટે AMCના બગીચા વિભાગે પણ અગાઉથી તૈયારી હાથ ધરી હતી. તંત્રના જણાવ્યા મુજબ, ચોમાસા પૂર્વે શહેરમાં 2699 જેટલા સૂકા, નબળા અને ઘટાદાર વૃક્ષોની ટ્રિમિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી માટે વિભાગે 28 ટ્રિમિંગ વાન, કટર મશીનો અને અન્ય જરૂરી સાધનસામગ્રીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી છે. ચોમાસાની ઋતુ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાવા, ખાડા પડવા અને વૃક્ષો પડવાની સમસ્યાઓ નાગરિકો માટે સૌથી મોટો પડકાર બની રહેતી હોય છે. ત્યારે AMC દ્વારા કરવામાં આવતી કામગીરી આગામી દિવસોમાં કેટલી અસરકારક સાબિત થાય છે તેના પર શહેરવાસીઓની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now