Home Gujarat Ahmedabad Ahmedabad Posh Area Fire 8 Fire Brigade Vehicles

અમદાવાદના પોશ વિસ્તારમાં લાગી ભીષણ આગ : 25થી વધુ લોકોનો સુરક્ષિત બચાવ

breaking
Play Video
Image Credit: OBS Input
Published by: Chintan Chavda
Last Updated: Apr 27, 2026, 06:37 AM IST

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શ્યામલ ચાર રસ્તા પાસે શાંગરીલા-2 આર્કેડમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ આગ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોટક મહિન્દ્રા બેંકના ATM પાસે શરૂ થઈ હતી અને ધીમે ધીમે વિકરાળ રૂપ ધારણ કરીને સમગ્ર બિલ્ડિંગના અન્ય ભાગોમાં ફેલાઈ ગઈ હતી.

આગની જ્વાળાઓ પાર્કિંગ વિસ્તાર સુધી ફેલાઈ ગઈ હતી અને પછી ઉપરના માળે પહોંચતાં HR ફિટનેસ નામના જિમ સુધી આગનો વ્યાપ વધી ગયો હતો. ઘટનાના સમયે જિમમાં અંદાજે 25થી 30 લોકો હાજર હતા, જે આગ અને ધુમાડાના કારણે અંદર જ ફસાઈ ગયા હતા, જેના કારણે બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવી પડી હતી.

ફાયર બ્રિગેડનો રેસ્ક્યુ ઓપરેશન, તમામ લોકો સલામત બહાર

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડ તાત્કાલિક સક્રિય બની હતી. શરૂઆતમાં કેટલીક ગાડીઓ મોકલવામાં આવી હતી, પરંતુ આગના વ્યાપને ધ્યાનમાં રાખીને 20 થી વધુ ફાયર ટેન્ડર અને લગભગ 50 અધિકારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા.

ફાયર કર્મચારીઓએ જિમમાં ફસાયેલા તમામ લોકોને સલામત રીતે નીચે ઉતાર્યા હતા. આ રેસ્ક્યુ ઓપરેશન અત્યંત પડકારજનક હતું, કારણ કે બિલ્ડિંગમાં ઘેરો ધુમાડો છવાઈ ગયો હતો. છતાં, સમયસર કામગીરીના કારણે કોઈ જાનહાનિ થઈ નથી, જે તંત્ર માટે રાહતરૂપ બાબત છે.

આ પણ વાંચો: જામનગરમાં જસોલિયા એપાર્ટમેન્ટમાં આગ! : 55 વર્ષીય આધેડનું ભડથું, સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલ

ટ્રાફિક પર અસર, રોડ બંધ

આ ઘટનાને કારણે ટ્રાફિક પર પણ ભારે અસર પડી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ પોલીસ દ્વારા શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર તરફ જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જેથી રાહત અને તપાસ કામગીરી સરળતાથી ચાલી શકે.

સ્થાનિક લોકો અને વાહનચાલકોને આ વિસ્તારમાંથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી.

તપાસ શરૂ, કોમ્પ્લેક્સ તાત્કાલિક બંધ

આગના કારણ અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે. પ્રાથમિક અંદાજ મુજબ ઇલેક્ટ્રિકલ ખામી અથવા ATM મશીન પાસેની ટેકનિકલ સમસ્યા આગ માટે જવાબદાર હોઈ શકે છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થશે.

સુરક્ષા દ્રષ્ટિએ શાંગરીલા-2 આર્કેડને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તપાસ અને જરૂરી કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોમ્પ્લેક્સ બંધ રાખવામાં આવશે.


"આસિસ્ટેડ રેસ્ક્યુ ઓપરેશન હતું" :- પંકજ રાવલ

ફાયર ઓફિસર પંકજ રાવલે Offbeat Stories સાથે વાત કરતાં જણાવ્યું કે, "સાંગ્રીલા કોમ્પ્લેક્સની અંદર આગ લાગી હતી. કેટલાક માણસો અંદર ફસાયેલા હતા એવો મેસેજ મળતા જ અમે ફાયરના વાહનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં પહોંચીને લગભગ 15 થી 20 જેટલા વ્યક્તિઓને સીડી દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા."

તેમણે વધુમાં જણાવ્યું, "આ એક આસિસ્ટેડ રેસ્ક્યુ ઓપરેશન હતું. કોમ્પ્લેક્સમાં આવેલી જીમની અંદર ધુમાડાને કારણે કેટલાક લોકો ફસાયા હતા, જેમને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now