Ahmedabad Police Campaign : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસ વિભાગે મિસિંગ કેસોને લઈને એક વિશાળ અભિયાન શરૂ કર્યું છે, જેના અંતર્ગત ગુમ થયેલા લોકોને શોધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ એક મહિનાની ડ્રાઈવ દરમિયાન પોલીસને મોટા પ્રમાણમાં સફળતા મળી છે અને કુલ 328 ગુમ થયેલા લોકોને શોધવામાં આવ્યા છે. પૂર્વ ઝોનમાં કુલ 2328 લોકો ગુમ હોવાનું નોંધાયું હતું, જેના પગલે પોલીસે તેમની શોધખોળ માટે વિશેષ અભિયાન હાથ ધર્યું.
અલગ–અલગ ટીમો કામગીરીમાં જોડાઈ
આ ઝુંબેશમાં 15 વર્ષથી ગુમ 6 લોકો અને 10 વર્ષથી વધારે સમયથી ગુમ 17 લોકો મળી આવ્યા છે, જે પોલીસ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે પૂર્વ વિસ્તારમાં આવેલી 22 પોલીસ સ્ટેશનોની અલગ–અલગ ટીમોને કાર્યમાં જોડવામાં આવી છે.
પરિવારજનોમાં નવી આશા જાગી
ગુમ થયેલા લોકોમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 8 છોકરીઓ અને 13 છોકરાઓ તેમજ 18 વર્ષથી વધુ ઉંમરના 194 સ્ત્રીઓ અને 113 પુરુષોને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યા છે. કુલ મળીને પોલીસે છેલ્લા ઘણા વર્ષોથી ગુમ રહેલા લોકોના પરિવારજનોમાં નવી આશા ઉભી થઈ છે.
આ અભિયાન 2007થી ઓક્ટોબર 2025 સુધીના તમામ મિસિંગ કેસોને આવરી લે છે. પોલીસના જણાવ્યા મુજબ અમદાવાદ પૂર્વમાં ગુમ થયેલા લગભગ 2000થી વધુ લોકોને શોધવાનો લક્ષ્યાંક રાખીને ઝુંબેશ ચાલી રહી છે અને આગામી મહિનામાં વધુ સફળતા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.






