Home Gujarat Ahmedabad Police Commissioner Gs Malik Traffic Branch Crime Conference

અમદાવાદ પોલીસ કમિશ્નરના અધ્યક્ષસ્થાને ટ્રાફિક શાખાની ક્રાઇમ કોન્ફરન્સ : ટ્રાફિક મેનેજમેન્ટ, CCTV મોનીટરીંગ અને સ્માર્ટ સિગ્નલ સિસ્ટમના વધુ ઉપયોગ પર મુકાયો ભાર

અમદાવાદ પોલીસ કમિશ્નરના અધ્યક્ષસ્થાને ટ્રાફિક શાખાની ક્રાઇમ કોન્ફરન્સ
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 10:12 AM IST

અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકના અધ્યક્ષસ્થાને ટ્રાફિક શાખાની મહત્વપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે વિસ્તારના ટ્રાફિક શાખાના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

કોન્ફરન્સ દરમિયાન પોલીસ કમિશ્નરએ શહેરની ટ્રાફિક વ્યવસ્થા, વહીવટી કાર્યક્ષમતા અને ટ્રાફિક નિયમન ક્ષમતામાં વધારો કરવા માટે ચાલી રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ખાસ કરીને ટ્રાફિક નિયંત્રણ, અકસ્માતોની ઘટનાઓમાં ઘટાડો, પીક અવર્સ દરમિયાન ટ્રાફિક મેનેજમેન્ટ અને નાગરિકોની સુરક્ષા માટે લેવાતા પગલાં અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

પોલીસ કમિશ્નરએ અધિકારીઓને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાની સાથે સાથે નાગરિકોને ટ્રાફિક જાગૃતિ અંગે સમજ આપવાની પણ સૂચના આપી હતી. શહેરમાં વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને ટેકનોલોજી આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ, CCTV મોનીટરીંગ અને સ્માર્ટ સિગ્નલ સિસ્ટમના વધુ અસરકારક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તથા તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. ટ્રાફિક રોડ એન્જિનિયરિંગ, ટ્રાફિક સિગ્નલની કાર્યક્ષમતા, રોડ ડિઝાઇન, તેમજ શહેરમાં પાર્કિંગ સમસ્યાના ઉકેલ માટેના આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ ક્રાઇમ કોન્ફરન્સ દ્વારા અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન વધારવાથી આગામી સમયમાં ટ્રાફિક સમસ્યાઓમાં નોંધપાત્ર સુધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now