Ahemdabad News: અમદાવાદના બોપલમાં થોડા દિવસ પહેલા જ થયેલા ફાયરિંગના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે આ કેસ મામલે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ પાસેથી મૃતકે એક દિવસ અગાઉ જ હથિયાર મગાવ્યું હતું. આપઘાત કરી લેતા બે આરોપીઓ હથિયાર લઈને ભાગ્યા હતા. ત્યારે આ મામલે મૃતક સહિત 3 લોકો સામે ગેરકાયદેસર હથિયારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ આપઘાત મામલે પણ હાલમાં તપાસ ચાલી રહી છે.
બે શખસોની ધરપકડ
મળતી માહિતી માહિતી અનુસાર બોપલમાં ફાયરિંગ કેસ મામલે પોલીસે કલ્પેશ ટુંડિયાને મળવા આવેલા સુરેન્દ્રનગરના ઇંગરોડીના રહેવાસી સાહિરખાન નાસિબખાન મલેક અને રાસિદખાન મહમદખાન મલેકની ધરપકડ કરી છે. હથિયાર લઈને આવેલા બંને શખ્સોની પોલીસ પૂછપરછ કરી રહી છે અને હથિયાર રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે હથિયાર મામલે આર્મ એક્ટ હેઠળ નવી ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો ?
જણાવી દઈએ કે શહેરના બોપલમાં આવેલા કબીર એન્કલેઓ પાસે શિવાલિક બંગ્લોઝમાં રહેતા એક શેર બ્રોકરનું ફાયરિંગમાં તેના જ ઘરમાં મોત થયું હતું. શેર બ્રોકર કલ્પેશ ટુડીયાના લમણે ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું, તે સમયે ઘરમાં મૃતક કલ્પેશની 14 વર્ષની દીકરી અને તેને મળવા આવેલા સુરેન્દ્રનગરના બે યુવકો હતા. અંદાજિત 8.45 વાગ્યા ના આસપાસ બનેલી આ ફાયરિંગની ઘટના અંગે 10:00 વાગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ યુવકના મોત બાદ પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી. જોકે જે હથિયારથી ફાયરિંગ થયું તે હથિયાર ગુમ હોવાનું સામે આવતા પોલીસે આ મોત આત્મહત્યા છે કે હત્યા તે અંગે તપાસ શરૂ કરી હતી. સાથે જ શેર બ્રોકર કલ્પેશ ના મોત માટે જવાબદાર કોણ તે જાણવા વધુ તપાસ તેજ કરવામાં આવી હતી.






