PM Modi Gujarat tour: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો યોજાયા બાદ ખોડલધામ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધી છે. જેમાં PM મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, 'આજે તમે રંગ રાખ્યો છે' એકબાળકને જોઈ PM મોદીએ કહ્યું , 'નાનો નરેન્દ્ર ઊભો થઈ ગયો છે'
''આ ધરતી બે મોહનની ધરતી છે''
PM મોદીએ કહ્યું કે, ''ગુજરાતની આ ધરતી બે મોહનની ધરતી છે. એક સુદર્શન ચક્રધારી મોહન એટલે કે આપણા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને બીજા ચરખા ધારી મોહન એટલે કે સાબરમતીના સંત પૂજ્ય બાપુ''.
''આતંકવાદની નાભિ પર હુમલો કર્યો''
PM મોદીએ કહ્યું કે, ''અમદાવાદમાં હુલ્લડો થતા હતા, વાર તહેવારે ધરતી રક્તરંજિત થઈ જતી હતી. દિલ્લીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કઈ નહોતી કરતી. આજે આતંકવાદી અને તેના આકાઓને છોડતા નથી. 22 મિનિટમાં બધું સફાચટ કરી નાખ્યું. આતંકવાદની નાભિ પર હુમલો કર્યો છે.
કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, 'સાબરમતી આશ્રમ સાક્ષી છે જે પાર્ટીએ તેમના નામે સત્તા ભોગવી છે તેમણે બાપુની આત્માને કચડી દીધી, ગાંધીના નામે ગાડી ચલાવતા તેઓ એકવાર પણ સ્વચ્છતા કે સ્વદેશી શબ્દ પણ સાંભળ્યો નહીં હોય. 60-65 વર્ષ દેશ પર શાસન કરનારી કોંગ્રેસે ભારતને બીજા દેશો પર નિર્ભર રાખ્યો કારણ કે તે સરકારમાં બેઠા બેઠા ઇમ્પોર્ટમાં પણ ખેલ કરી શકે. પરંતુ આજે ભારતે આત્મનિર્ભરતાને વિક્સિત ભારતના નિર્માણનો આધાર બનાવી દીધો છે.






