Home Gujarat Ahmedabad Makarba Property Dispute Mother Son Argument Anandnagar Police

અમદાવાદમાં કળિયુગી પુત્રએ કરી માતાની હત્યા : મિલકતના વિવાદમાં જનક જનેતાને લાકડાના ફટકા મારી પતાવી દીધી

અમદાવાદમાં કળિયુગી પુત્રએ કરી માતાની હત્યા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 01:01 PM IST

અમદાવાદ: શહેરમાં વધુ એકવાર લોહીના સંબંધો લજવાયા હોય તેવી ઘટના સામે આવી છે. અમદાવાદના મકરબા વિસ્તારમાં મિલકતના વિવાદમાં એક પુત્રએ પોતાની જ સગી જનેતાની ઘાતકી હત્યા કરી નાખી છે. પ્રોપર્ટીમાં હિસ્સો મેળવવા અથવા ઘરના બદલામાં પૈસાની માંગણી કરી રહેલા પુત્રએ, માતાએ ઈન્કાર કરતા ઉશ્કેરાઈને લાકડાના દંડા વડે માથામાં અનેક ફટકા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ માતાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું છે, જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પુત્રની ધરપકડ કરી લીધી છે.

પૈસાની માંગણી અને માતાનો ઈન્કાર બન્યો મોતનું કારણ

મકરબા વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં રહેતા કપિલાબેન દેવીપૂજક અને તેમના પુત્ર અજય વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘરની માલિકી અને પૈસાને લઈને વિવાદ ચાલતો હતો. 30 જાન્યુઆરીની મોડી રાત્રે અજય ઘરે આવ્યો હતો અને તેણે ઘરના બદલામાં રોકડ પૈસાની માંગણી કરી હતી. કપિલાબેને સ્પષ્ટપણે પૈસા આપવાની ના પાડી દેતા મામલો બિચક્યો હતો.

દંડાના ફટકાથી લોહીલુહાણ હાલતમાં માતાએ દમ તોડ્યો

માતાએ પૈસા આપવાની ના પાડતા અજય પિત્તો ગુમાવી બેઠો હતો. તેણે ઉગ્ર બોલાચાલી બાદ પાસે પડેલા લાકડાના જાડા દંડા વડે માતાના માથામાં એક પછી એક અનેક ફટકા માર્યા હતા. હુમલાને કારણે કપિલાબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. પાડોશીઓ અને પરિવારજનોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પુત્રને દબોચ્યો

આ બનાવની જાણ થતા જ આનંદનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને હત્યાનો ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસે ફરાર થવાની ફિરાકમાં રહેલા પુત્ર અજય દેવીપૂજકની ધરપકડ કરી લીધી છે. મકરબા જેવા ગીચ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now