અમદાવાદમાં લુલુ ગ્રુપ દ્વારા ચાંદખેડા વિસ્તારમાં દેશનો સૌથી મોટો લુલુ મોલ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ પ્રાઇવેટ લિમિટેડે 519 કરોડ રૂપિયામાં જમીન ખરીદીને આ પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ સોદા માટે ગ્રુપે 25.45 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરતાં રાજ્ય સરકારને મોટો આવક સ્ત્રોત મળ્યો છે.
લુલુ ગ્રુપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી કુલ 66,168 ચોરસ મીટર વિસ્તાર ધરાવતા પાંચ પ્લોટ (નંબર 381, 382, 383, 391 અને 396) ખરીદ્યા છે. આ તમામ પ્લોટ ટીપી સ્કીમ નંબર 76/બીમાં આવતાં વિસ્તારોમાં આવે છે. વાઘબારસના દિવસે સોદાની પ્રક્રિયા પૂર્ણ કરી સાબરમતી સબ-રજિસ્ટ્રાર કચેરી ખાતે સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશન અને લુલુ ગ્રુપ વચ્ચેનો આ સોદો ગયા વર્ષે નક્કી થયો હતો, પરંતુ 66 હજાર ચોરસ મીટર જમીનમાંથી આશરે 10 હજાર ચોરસ મીટર વિસ્તાર ખાનગી માલિકીનો હોવાથી પઝેશન મળ્યું નહોતું. હવે ફાઇનલ ટીપી સ્કીમ મંજૂર થતાં બાકી રહેલાં વિસ્તારોનું પણ પઝેશન પૂર્ણ થયું છે. મ્યુનિ.એ લુલુ ગ્રુપને 7,295 સ્ક્વેર ફૂટ દીઠ દરે જમીન ફાળવી હતી.
લુલુ ગ્રુપના અધિકારીઓએ જણાવ્યું છે કે ચાંદખેડા વિસ્તારના આ પ્લોટ પર મોલનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી શહેરમાં હજારો લોકોને રોજગારીના નવા અવસર મળશે અને ઉત્તર અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરને નવી દિશા મળશે.
ગુજરાતની સૌથી મોટી ખાનગી જમીન ડીલોમાં સામેલ
લુલુ ગ્રુપનો આ સોદો રાજ્યની સૌથી મોટી જમીન ડીલોમાંનો એક ગણાય છે. છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતમાં થયેલી કેટલીક મોટી ખાનગી જમીન ડીલોમાં આ સોદો ટોચે ગણાય છે.
સુરત: 2023માં 7 એકર જમીન 510 કરોડ રૂપિયામાં ફોનિક્સ મિલ અને ખાનગી માલિકો વચ્ચે ડીલ
એસ.જી. હાઇવે: 2024માં સિંધુ ભવન રોડ પર 15 હજાર સ્ક્વેર યાર્ડ જમીન 450 કરોડમાં કોમર્શિયલ ઉપયોગ માટે ખરીદાઈ
ગોતા: 2023માં 42 હજાર સ્ક્વેર યાર્ડની જમીન 350 કરોડ રૂપિયામાં ખાનગી સોદો
એસ.પી. રિંગ રોડ: 2025માં ઝુંડાલ-મોટેરા પાસે 18 હજાર સ્ક્વેર યાર્ડ જમીન રહેણાક પ્રોજેક્ટ માટે 320 કરોડમાં ખરીદાઈ
ભાડજ: 2023માં 13,500 સ્ક્વેર યાર્ડ જમીન 200 કરોડમાં બિલ્ડર ગ્રુપ દ્વારા ખરીદાઈ
યુસુફ અલીનો અમદાવાદ સાથેનો સંબંધ
લુલુ ગ્રુપના ચેરમેન યુસુફ અલીનો ગુજરાત સાથે લાંબો સંબંધ છે. તેમના પિતા એક સમય અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા. યુસુફ અલીનું બાળપણ કેરળના થ્રિસુર જિલ્લાના નટ્ટિકા ગામમાં વીત્યું હતું, પરંતુ કિશોરાવસ્થામાં તેઓ અમદાવાદમાં પોતાના કાકા સાથે રહેતા હતા.
શરૂઆતમાં વકીલ બનવાની ઇચ્છા ધરાવતા યુસુફ અલીએ અંતે વ્યવસાય ક્ષેત્ર પસંદ કર્યું અને પોતાના પિતાને સહકાર આપવા ગુજરાત આવ્યા હતા. તેમણે અહીં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમા મેળવ્યો હતો, જે તેમના ભવિષ્યના બિઝનેસ માટે આધારશિલા સાબિત થયો.
લુલુ ગ્રુપની આંતરરાષ્ટ્રીય સફર
1990ના દાયકામાં યુસુફ અલીએ અબુ ધાબી અને દુબઈમાં લુલુ સુપરમાર્કેટ શરૂ કરીને ગ્રુપની શરૂઆત કરી હતી. 1995માં પ્રથમ હાઇપરમાર્કેટ ખુલ્યા બાદ લુલુ ગ્રુપે ઝડપથી વિસ્તરણ કર્યું અને 2000માં લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલની સ્થાપના થઈ.
હાલમાં લુલુ ગ્રુપ વિશ્વભરમાં 215થી વધુ હાઇપરમાર્કેટ અને શોપિંગ મોલ્સ ચલાવે છે. ખાડી દેશોમાં આ ગ્રુપની સૌથી મોટી રિટેઇલ ચેઇન છે. ગ્રુપે હાઇપરમાર્કેટ, મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ, હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર ઉપસ્થિતિ ઉભી કરી છે. ફોર્બ્સ મિડલ ઈસ્ટ અનુસાર યુસુફ અલી આરબ વિશ્વના સૌથી સમૃદ્ધ ભારતીયોમાં ગણાય છે.
લુલુ શબ્દ અરબી ભાષાનો છે, જેનો અર્થ "મોતી" થાય છે. યુસુફ અલીએ પોતાની કંપનીનું નામ આ શબ્દ પરથી રાખ્યું હતું, જે હવે વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની ગયું છે.






