Home Gujarat Ahmedabad Ahmedabad Ipl Betting Case Narendra Modi Stadium Vastral

IPL ની આડમાં સ્માર્ટ સિટીમાં રમાતો હતો કરોડોનો ઓનલાઇન સટ્ટો! : પોલીસે દરોડો પાડી બેને ઝડપ્યા, જાણો કઈ રીતે પકડાયું સટ્ટાબાજીનું નેટવર્ક

Online betting
Image Credit: AI Image
Published by: Aryan Shah
Last Updated: May 13, 2026, 07:14 AM IST

Ahmedabad IPL Betting Case : અમદાવાદના આંગણે રમાતી IPL મેચોમાં માત્ર ચોગ્ગા-છગ્ગાની જ રમઝટ નથી થઈ રહી, પણ તેની આડમાં સટ્ટાખોરીનું મોટું નેટવર્ક પણ સક્રિય થઈ રહ્યું છે. મંગળવારે મોડી રાત્રે અમદાવાદ પોલીસની અલગ-અલગ ટીમોએ 'ઓપરેશન ક્લીન-અપ' હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવી હાઇ-સિક્યોરિટી જગ્યાએથી અને વસ્ત્રાલ જેવા રહેણાંક વિસ્તારમાંથી ઓનલાઇન સટ્ટાબાજીના મસમોટા રેકેટ ઝડપાયા છે. પોલીસે આ મામલે બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સ્ટેડિયમમાં પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે હાઇ-વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો. આ દરમિયાન ચાંદખેડા પોલીસ સ્ટેશનનો કાફલો સ્ટેડિયમના વિવિધ બ્લોકમાં સાદા ડ્રેસમાં સુરક્ષા અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો. બ્લોક-K માં પોલીસને એક યુવકની હિલચાલ ખૂબ જ વિચિત્ર જણાઈ હતી. આ યુવક મેચ જોવાને બદલે સતત તેના મોબાઈલ સ્ક્રીન પર કોઈ એપ્લિકેશન ઓપરેટ કરી રહ્યો હતો. પોલીસે તુરંત ત્રાટકીને તપાસ કરતાં સીટ નંબર 40 પર બેઠેલો તોસિફ પોરા (રહે. સેવાલિયા, ખેડા) રંગેહાથ સટ્ટો રમતા ઝડપાઈ ગયો હતો.

સટ્ટાબાજીનું આંતરરાજ્ય કનેક્શન

પોલીસની આકરી પૂછપરછમાં તોસિફે જે ખુલાસા કર્યા તે ચોંકાવનારા હતા. તેને કબૂલાત કરી હતી કે, તેને પંચમહાલ જિલ્લાના કમલકુમાર રમેશભાઈ પટેલ પાસેથી રૂ. 42,000 ચૂકવીને સટ્ટાબાજીની સ્પેશિયલ ઓનલાઇન આઈડી મેળવી હતી. સ્ટેડિયમની અંદર હોવાથી ટીવી ટેલિકાસ્ટ કરતાં સેકન્ડો પહેલા લાઇવ સ્કોર જાણી શકાતો હોય છે, જેનો લાભ લઈને આ શખ્સ મોટા પાયે સટ્ટો રમાડતો હોવાની આશંકા છે. પોલીસે તેની પાસેથી 25,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને આ આઈડી આપનાર કમલ પટેલ સુધી પહોંચવા કવાયત શરૂ કરી છે.

વસ્ત્રાલમાં 'ALLPANEL247' નો ભાંડો ફૂટ્યો

સ્ટેડિયમમાં દરોડા ચાલી રહ્યા હતા ત્યારે જ રામોલ પોલીસની ટીમે વસ્ત્રાલ વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરી હતી. રાત્રે 1 વાગ્યાના અરસામાં જ્યારે IPL ની મેચ તેના અંતિમ તબક્કામાં હતી, ત્યારે 27 વર્ષીય રોનકસિંહ બોડાણા તેના મોબાઈલમાં “ALLPANEL247.COM” નામની કુખ્યાત સટ્ટાબાજીની વેબસાઇટ ખોલીને સેશન અને હાર-જીત પર દાવ લગાવી રહ્યો હતો. પોલીસને જોઈને આરોપીએ મોબાઈલ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને દબોચી લીધો હતો.

કાયદેસરની કાર્યવાહી અને તપાસનો વ્યાપ

અમદાવાદ પોલીસે આ બંને કેસમાં ગુજરાત જુગાર ધારાની કલમ 12(A) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ માત્ર બે વ્યક્તિઓ પકડાયા હોવાનો કિસ્સો નથી, પરંતુ આની પાછળ આખું એક ઓનલાઇન સિન્ડિકેટ કામ કરી રહ્યું છે. સટ્ટાબાજી માટે વપરાતી આ વેબસાઇટોના સર્વર ક્યાં છે, નાણાકીય વ્યવહારો કઈ રીતે થતા હતા અને આમાં બીજા કેટલા મોટા સટ્ટાખોરો સામેલ છે, તે અંગે ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now