Rajkot Highway Accident: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. બેટી રામપર ગામ પાસે એક બેકાબૂ ટેન્કર અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ભયાનક અકસ્માતને પગલે હાઈવે પર ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહેલી ઇકો કારને બેટી રામપર ગામના પાટિયા પાસે એક પુરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર જ ફસાઈ ગયા હતા.
બચાવ કામગીરી અને હોસ્પિટલ ખસેડાયા
ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અન્ય ૪ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોટી દુર્ઘટના
હાઈવે પર સર્જાયેલા આ ગોઝારા અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.
પોલીસ કાફલો ઘટનાસ્થળે
અકસ્માતની જાણ થતાં જ કુવાડવા પોલીસ અને એરપોર્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર હટાવીને હાઈવે પરનો ટ્રાફિક હળવો કર્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે મૃતકોના શવને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને તેમના પરિવારજનોને જાણ કરવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





