અમદાવાદ શહેરમાં ગુરુવારે સાંજ સુધીમાં પડેલા અતિભારે વરસાદે સમગ્ર શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું છે. ટૂંકા ગાળામાં જ 10 ઇંચથી વધુ વરસાદ નોંધાતા શહેરના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક મુખ્ય માર્ગો પાણીમાં ડૂબી જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જ્યારે અનેક અન્ડરપાસ સલામતીના કારણોસર બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદને પગલે ટ્રાફિક, જાહેર પરિવહન અને દૈનિક જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વરસાદી આંકડા મુજબ શહેરમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ બોપલ વિસ્તારમાં નોંધાયો છે. સરખેજ, મકતમપુરા, બોડકદેવ અને જોધપુરમાં 9-9 ઇંચ વરસાદ વરસ્યો છે. બાકરોલમાં 7 ઇંચ, થલતેજ, સાયન્સ સિટી અને વાસણામાં 6.5 ઇંચ, મેમનગરમાં 6 ઇંચ, નવરંગપુરામાં 5.5 ઇંચ, ઉસ્માનપુરામાં 5 ઇંચ, દુધેશ્વરમાં 4.5 ઇંચ તથા રાણીપ, લાંભા અને કાલુપુરમાં 4-4 ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
અન્ડરપાસ બંધ, વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા
ભારે વરસાદને કારણે અખબારનગર, પરિમલ અને શાહીબાગ સહિતના અન્ડરપાસમાં પાણી ભરાતા શરૂઆતમાં વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાણીનું સ્તર ઘટતાં શાહીબાગ અન્ડરપાસ ફરીથી વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો હતો. બીજી તરફ સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
હાટકેશ્વર સર્કલ વિસ્તારમાં ઓવરબ્રિજ તોડી પાડ્યા બાદ પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી હતી. દાણીલીમડા, લો ગાર્ડન, જુહાપુરા, વેજલપુર અને સરખેજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોની અવરજવર મુશ્કેલ બની હતી.
શહેરભરમાં ટ્રાફિક જામ, એસજી રોડ પર વાહનો બંધ પડ્યા
ભારે વરસાદના કારણે શહેરના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વાયએમસીએ (YMCA) ચાર રસ્તા ખાતે પાણી ભરાવાને કારણે લાંબી વાહનોની કતારો લાગી હતી. વૈષ્ણોદેવી સર્કલથી ગોતા તરફ લગભગ એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ નોંધાયો હતો. શાસ્ત્રીનગરથી હેલ્મેટ સર્કલ જવાના બ્રિજ પર પણ ભારે ટ્રાફિક જોવા મળ્યો.
એસજી રોડ પર પેલેડિયમ મોલ નજીક બ્રિજના છેડે બે વોલ્વો બસ વરસાદી પાણીમાં બંધ પડી જતાં ટ્રાફિક પર અસર થઈ હતી. અમદાવાદ શહેર પોલીસે બંને વાહનોને રસ્તાની બાજુએ ખસેડી ટ્રાફિક ફરી સામાન્ય બનાવ્યો હતો. આ જ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ થોડા સમય માટે ટ્રાફિકમાં ફસાયો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ અને ફાયર વિભાગે હાથ ધરી બચાવ કામગીરી
ભારે વરસાદ વચ્ચે અમદાવાદ શહેર પોલીસે વિવિધ વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. શાહીબાગ પોલીસ દ્વારા ફળની લારી સાથે ઘૂંટણસમા પાણીમાં ફસાઈ ગયેલી મહિલાને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી હતી. સરખેજમાં એલ.જે. કોલેજ નજીક પાણીમાં અટવાયેલા વિદ્યાર્થીઓને પોલીસની ટીમે સુરક્ષિત રીતે બસ સ્ટેન્ડ સુધી પહોંચાડ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં 24 જુલાઇએ તમામ શાળા-કોલેજો બંધ : ભારે વરસાદની આગાહીને પગલે AMCનો નિર્ણય
અમરાઈવાડી વિસ્તારમાં વરસાદમાં ઝાડ નીચે ઉભી રહેલી ત્રણ વિદ્યાર્થીનીઓને પોલીસ વાહન મારફતે તેમના રહેઠાણ સુધી પહોંચાડવામાં આવી હતી. દાણીલીમડા વિસ્તારમાં શાળાના બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલવાની કામગીરી કરવામાં આવી હતી. રખિયાલ વિસ્તારમાં વરસાદમાં અટવાયેલી એક વિદ્યાર્થીનીને પોલીસ વાનમાં ઘરે પહોંચાડવામાં આવી હતી અને તેના પરિવારને સોંપ્યા બાદ જ પોલીસ કર્મચારીઓ પરત ફર્યા હતા.
જમાલપુર ફૂલ બજાર વિસ્તારમાં એક મહિલાની તબિયત બગડતાં ભારે ટ્રાફિક વચ્ચે PCR-40 દ્વારા પાયલોટિંગ આપી તેમને સમયસર વી.એસ. હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ નહેરુનગર વિસ્તારમાં જાતે હાજર રહી ટ્રાફિક નિયમન અને રાહત કામગીરીની સમીક્ષા કરતા જોવા મળ્યા.
આ પણ વાંચો: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! : અંબાલાલ પટેલે અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની કરી આગાહી
મુખ્યમંત્રીએ કરી ઉચ્ચસ્તરીય સમીક્ષા, કેન્દ્રે મદદની ખાતરી આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને રાજ્યમાં ભારે વરસાદ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી તમામ પગલાં લેવા સૂચના આપી હતી.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરીને રાજ્યની સ્થિતિથી વાકેફ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતને જરૂરી તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને વરસાદી સ્થિતિ અંગે માહિતી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી બચાવ, રાહત અને સલામતી સંબંધિત તમામ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: હવામાન એલર્ટ બાદ ગાંધીનગરમાં સ્કૂલ હોલિડે : જિલ્લા તંત્રે જાહેર કર્યો મહત્વપૂર્ણ આદેશ
ફાયર બ્રિગેડને મળ્યા ડઝનો કોલ
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને ભારે વરસાદ દરમિયાન બચાવ માટેના અનેક કોલ મળ્યા હતા. ફાયર વિભાગને 10 સ્થળે વૃક્ષ ધરાશાયી થયાના, બે સ્થળે દિવાલ ધરાશાયી થયાના તેમજ કુલ આઠ આગ સંબંધિત કોલ મળ્યા હતા. જેમાં શાહપુરના એક કારખાનામાં આગ લાગવાની ઘટના અને સાત સ્થળે શોર્ટ સર્કિટ તથા વીજ થાંભલાં સંબંધિત ફરિયાદોનો સમાવેશ થાય છે. તમામ સ્થળોએ ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરમાં વરસાદ હજુ પણ ચાલુ હોવાથી વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.





