Home Education/Career Gandhinagar School Holiday Heavy Rain Alert July 2026

હવામાન એલર્ટ બાદ ગાંધીનગરમાં સ્કૂલ હોલિડે : જિલ્લા તંત્રે જાહેર કર્યો મહત્વપૂર્ણ આદેશ

વિદ્યાર્થી
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jul 23, 2026, 11:00 AM IST

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રે સાવચેતીના ભાગરૂપે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવતા આવતીકાલે, શુક્રવારે ગાંધીનગર જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવા, અવરજવરમાં મુશ્કેલી સર્જાવાની શક્યતા તેમજ વિદ્યાર્થીઓના સલામત પરિવહનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 24 જુલાઇએ તમામ શાળા-કોલેજો બંધ : ભારે વરસાદની આગાહીને પગલે AMCનો નિર્ણય

ભારે વરસાદની સંભાવના વચ્ચે સાવચેતી રાખવા અપીલ

હવામાન વિભાગે આગામી કલાકોમાં ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીના પગલે જિલ્લા પ્રશાસન એલર્ટ મોડમાં આવ્યું છે અને સંબંધિત વિભાગોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા તંત્રે વાલીઓ અને નાગરિકોને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા, બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરી છે. વરસાદ દરમિયાન કોઈ પણ પ્રકારની કટોકટી સર્જાય તો સ્થાનિક તંત્રને તાત્કાલિક જાણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! : અંબાલાલ પટેલે અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની કરી આગાહી

રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધ્યું છે. ગાંધીનગરમાં પણ વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો હવામાનની સ્થિતિમાં વધુ ફેરફાર થશે તો જરૂરી મુજબ વધુ સૂચનાઓ પણ જાહેર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now