Home Gujarat Ahmedabad Ahmedabad Ghuma Leopard Thermal Drone Search Operation

અમદાવાદના ઘુમામાં દીપડાને શોધવા તંત્રની દોડપકડ! : વનવિભાગનું મેગા સર્ચ ઓપરેશન, થર્મલ ડ્રોનથી થશે શોધખોળ

અમદાવાદના ઘુમા ગામમાં ઘુસ્યો દીપડો
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Jul 20, 2026, 08:14 AM IST

અમદાવાદના ઘુમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ

વનવિભાગનું મેગા સર્ચ ઓપરેશન, થર્મલ ડ્રોનથી થશે શોધખોળ

8 વર્ષનો દીપડો ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો હોવાની આશંકા

ઘટના સ્થળેથી મરઘીના મારણના પુરાવા મળ્યા

મેયર હિતેશ બારોટ પણ સ્થળ પર પહોંચ્યા

અમદાવાદ શહેરના પશ્ચિમ છેવાડે આવેલા ઘુમા વિસ્તારમાં દીપડાની એન્ટ્રીએ સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે. ઘુમા ગામ નજીક આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે દીપડો દેખાયા બાદ વનવિભાગે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે વિવિધ ટીમોને તૈનાત કરવામાં આવી છે, જ્યારે સાંજ પછી થર્મલ ડ્રોનની મદદથી શોધખોળ વધુ તેજ કરવામાં આવશે. અમદાવાદના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) ડૉ. મીનલ જાનીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક અંદાજ મુજબ દીપડો આશરે આઠ વર્ષનો છે. સ્થળ પર મળેલા પુરાવા અને તેની હિલચાલને ધ્યાનમાં લેતા એવું અનુમાન છે કે તે ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યો હોઈ શકે છે.

મરઘીના મારણના પુરાવા મળ્યા, ફૂટપ્રિન્ટથી ટ્રેકિંગ

વનવિભાગની ટીમને ઘટના સ્થળેથી એક મરઘીના મારણના પુરાવા મળ્યા છે. આ ઘટનાએ દીપડો ખોરાકની શોધમાં વસાહત તરફ આવ્યો હોવાની સંભાવનાને વધુ મજબૂત બનાવી છે. ઉપરાંત સોસાયટી અને આસપાસના વિસ્તારમાં અનેક સ્થળોએ દીપડાના પગના નિશાન (ફૂટપ્રિન્ટ) પણ મળી આવ્યા છે.

આ ફૂટપ્રિન્ટના આધારે વનવિભાગ દીપડો કઈ દિશામાં આગળ વધ્યો તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. દસક્રોઈ, સાણંદ સહિત અન્ય રેન્જની ટીમોને પણ ઓપરેશનમાં જોડવામાં આવી છે, જેથી સમગ્ર વિસ્તારને કવર કરીને દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પુરવામાં આવે.

આ પણ વાંચોઃ Videoમાં જંગલી જનાવર પાછળ દોડતા દેખાયા કૂતરા : દીપડાના પંજાના નિશાન મળ્યા! વન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ સાથે દીપડાને પકડવા અમદાવાદના મેયર મેદાનમાં


થર્મલ ડ્રોનથી રાત્રે સર્ચ ઓપરેશન

વનવિભાગ માટે સૌથી મોટો પડકાર એ છે કે દીપડો સામાન્ય રીતે રાત્રિના સમયે વધુ સક્રિય રહે છે અને ઘીચ ઝાડી-ઝાંખરા અથવા ખુલ્લા ખેતરોમાં સરળતાથી છુપાઈ જાય છે. આ કારણસર સાંજ બાદ થર્મલ ડ્રોનનો ઉપયોગ કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. થર્મલ ડ્રોન દ્વારા અંધારામાં પણ શરીરની ગરમીના આધારે દીપડાની હિલચાલ શોધી શકાય છે, જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશન વધુ અસરકારક બનવાની શક્યતા છે. જરૂર પડ્યે સંભવિત સ્થળોએ પાંજરાં અને ટ્રેપ કેમેરા પણ ગોઠવવામાં આવશે.

સ્થાનિકોને સતર્ક રહેવા અપીલ

વનવિભાગે ઘુમા, શેલા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સાવચેત રહેવા સૂચના આપી છે. ખાસ કરીને નાના બાળકોને એકલા બહાર ન મોકલવા, રાત્રિના સમયે અવાવરાં વિસ્તારોમાં જવાનું ટાળવા અને કોઈ જંગલી પ્રાણી દેખાય તો તેની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે.

અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને દીપડો દેખાય તો તરત જ વનવિભાગ અથવા પોલીસને જાણ કરવા પણ અનુરોધ કર્યો છે. ભીડ એકત્ર કરવાથી અથવા દીપડાને ભગાડવાનો પ્રયાસ કરવાથી જોખમ વધી શકે છે.

મેયર હિતેશ બારોટ પણ સ્થળ પર પહોંચ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ ઘુમા ગામ પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક રહેવાસીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિની માહિતી મેળવી હતી. મેયરે વનવિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમ સાથે સંકલન કરીને દીપડાને ઝડપથી અને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવા સૂચનાઓ આપી હતી. સ્થાનિકોની ચિંતા દૂર કરવા માટે મેયરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વનવિભાગની નિષ્ણાત ટીમો સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહી છે અને નાગરિકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં દીપડાની દસ્તકથી દહેશત! : શહેરના પોશ વિસ્તારની સોસાયટીમાં ઘૂસ્યો દીપડો, CCTV સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ

શહેરમાં દીપડાની એન્ટ્રી કેમ વધી રહી છે?

વન્યજીવ નિષ્ણાતોના મતે, અમદાવાદ જેવા શહેરોની ઝડપથી વધતી સીમા અને કુદરતી આવાસમાં માનવ હસ્તક્ષેપના કારણે દીપડા જેવા વન્યજીવો રહેણાંક વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં રખડતા કૂતરાં, મરઘાં અને અન્ય નાના પ્રાણીઓ સરળતાથી ઉપલબ્ધ હોવાથી પણ દીપડા આ વિસ્તારો તરફ આકર્ષાતા હોવાનું માનવામાં આવે છે.

હાલ વનવિભાગનું સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. અધિકારીઓનું કહેવું છે કે દીપડો વિસ્તાર છોડીને આગળ નીકળી ગયો હોવાની શક્યતા પણ છે, પરંતુ તેની ખાતરી થાય ત્યાં સુધી સમગ્ર વિસ્તારમાં સઘન દેખરેખ રાખવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now