Ahmedabad News: મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે અન્ય લોકશાહી પર્વ, અમદાવાદનો દાણીલીમડા વિસ્તાર ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યો છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલી MS પબ્લિક સ્કૂલ ખાતે મતદાન દરમિયાન ભારે અરાજકતા સર્જાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર પર હુમલો અને પોલીસ સાથેની ઝપાઝપીના ગંભીર આક્ષેપો થયા છે.
શું છે સમગ્ર ઘટના?
મતદાન પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન MS સ્કૂલના બુથ પર ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સાથે વાતાવરણ ગરમાયું હતું. ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્કૂલની અંદર કોંગ્રેસની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. મતદાનમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી રહી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ગેરરીતિઓના આક્ષેપ : કોંગ્રેસે ચૂંટણી આયોગને 27 ગંભીર ફરિયાદો સોંપી
ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલના બિછાને
આ વિવાદે હિંસક રૂપ ધારણ કરતા ભાજપના ઉમેદવાર વિનોદ પરમાર પર હુમલો થયો હતો. કોંગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરાયો હોવાના આક્ષેપ સાથે લોહીલુહાણ હાલતમાં વિનોદ પરમારને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસની ભૂમિકા સામે સવાલો
ઘટનાસ્થળે હાજર પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ભાજપે પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, પોલીસની હાજરીમાં જ ગેરરીતિ થઈ અને કાર્યકરોને રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ રહી છે. સ્થાનિક ભાજપ નેતૃત્વે જણાવ્યું હતું કે લોકશાહીના પર્વમાં હિંસાને કોઈ સ્થાન નથી. અમારા ઉમેદવાર પર થયેલો હુમલો અને મતદાનમાં થયેલી ગેરરીતિને અમે સાંખી નહીં લઈએ.
આ પણ વાંચો: ચૂંટણી પંચની અવ્યવસ્થા અને 'ડિજિટલ' છબરડા : હજારો મતદારો મતાધિકારથી વંચિત, લોકશાહીના પર્વમાં સર્જાઈ અરાજકતા
ભાજપની મુખ્ય માંગણીઓ
થયેલી ગેરરીતિ અને હિંસાને પગલે ભાજપ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. MS પબ્લિક સ્કૂલના બુથ પર થયેલી ગેરરીતિને ધ્યાને રાખીને ત્યાં ફરીથી મતદાન (Re-polling) કરાવવાની લેખિત અરજી કરવામાં આવી છે. હુમલો કરનાર તત્વો અને ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. અત્યારે દાણીલીમડા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. જોકે, આ ઘટનાને પગલે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.





