Ahmedabad News: અમદાવાદ શહેરમાં સાયબર ગુનાખોરી સામે કડક પગલાં લેતા, પોલીસ દ્વારા “ઓપરેશન ડ્યુલ હંટ” હેઠળ મોટી સફળતા મેળવી છે. ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે એક ગોઠવાયેલ સાયબર ઠગાઈ ગેંગને શોધી કાઢવામાં આવી છે, જે દેશના વિવિધ રાજ્યોમાં લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતો હતો.
સાયબર ઠગાઈ ગેંગ સામે પોલીસની ચોક્કસ કામગીરી
Ahmedabad Police દ્વારા હાથ ધરાયેલ આ ઓપરેશન હેઠળ “કે” ડિવિઝનની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ચાલતા આ અભિયાનમાં મદદનીશ પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન મુજબ કાર્યવાહી હાથ ધરાઈ. ટીમમાં કાર્યરત અધિકારીઓએ ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સ માહિતીના આધારે આરોપીઓની ઓળખ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ બેંક ખાતાઓ મારફતે છેતરપિંડીની રકમ એકત્ર કરતા અને પછી અલગ અલગ રીતે ઉપાડી લેતા હતા. પકડાયેલા આરોપીઓમાં આફતાબ અનવરહુસેન શેખ અને સૈયદ અલ્તાફ હુસેન ઉમરહુસેનનો સમાવેશ થાય છે, જ્યારે ત્રીજો આરોપી તોકીર અહેમદ હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: પાટીદારોના ગઢમાં ભૂપેન્દ્ર 'દાદા' નો મેગા શો : વરાછા વિસ્તારમાં CM ભૂપેન્દ્ર પટેલનો જોરશોરથી પ્રચાર
બેંક ખાતા મારફતે ચલાતું ગેરકાયદેસર નેટવર્ક
તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ Bank of Baroda ની ગીતામંદિર શાખામાં ખુલેલા ખાતાનો ઉપયોગ કરીને લોકો પાસેથી ઠગાઈથી મેળવેલા નાણાં એકત્ર કર્યા હતા. આ ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થતી અને પછી વિવિધ માધ્યમોથી ઉપાડવામાં આવતી. આ ગેંગ સાયબર ક્રાઇમ સિન્ડિકેટનો ભાગ હતી, જે ભારતના જુદા જુદા રાજ્યોમાં સક્રિય હતી. આરોપીઓ લોકોને લાલચ આપી અથવા ભ્રમમાં મૂકી પૈસા પડાવતા હતા.
અન્ય રાજ્યોમાં પણ નોંધાયેલા કેસ
તપાસ દરમિયાન સામે આવ્યું કે આ ગેંગ માત્ર અમદાવાદ સુધી મર્યાદિત નહોતો. ઓડિશા રાજ્યમાં બે ફરિયાદોમાં ₹13,46,800 ની છેતરપિંડી, પશ્ચિમ બંગાળમાં બે ફરિયાદોમાં ₹64,294 ની છેતરપિંડી. આ રીતે કુલ ₹14,11,094 જેટલી રકમની છેતરપિંડીનો ખુલાસો થયો છે. આથી સ્પષ્ટ થાય છે કે ગેંગ આંતરરાજ્ય સ્તરે સક્રિય હતો અને સંગઠિત રીતે કામગીરી કરતો હતો.
કાયદેસર કાર્યવાહી અને ગુનો નોંધાયો
આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ વિવિધ કલમો મુજબ કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ હાલ ફરાર આરોપીની શોધમાં છે અને ગેંગના અન્ય સંભવિત સભ્યો વિશે પણ તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારના ગુનાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, તેથી સાવચેતી જરૂરી છે.





