Gir Somnath: વેરાવળ નગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જ કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. ચૂંટણીના મતદાન પહેલા જ કોંગ્રેસના બે મજબૂત મહિલા ઉમેદવારોએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપનો કેસરિયો ધારણ કરી લેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
કેસરિયાના રંગે રંગાયા કોંગ્રેસના ઉમેદવારો
વેરાવળમાં કોંગ્રેસના સંગઠનમાં ગાબડું પાડતા વોર્ડ નંબર 1ના ઉમેદવાર પ્રીતિબેન ધનેશા અને વોર્ડ નંબર 7ના ઉમેદવાર અનિલાબેન પોરિયાએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. આ પરિવર્તનને કારણે કોંગ્રેસની રણનીતિને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી ભાવનાબેન હિરપરા અને ભાજપ જિલ્લા અધ્યક્ષ ડો. સંજય પરમાર દ્વારા આ બંને ઉમેદવારોને કેસરી ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: તમે કેટલા..માં...વેચાયા એ કો...! : શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને અગ્રણીની ઘેરાબંધી!
ભાજપનો દબદબો: વોર્ડ નંબર 1 માં બિનહરીફ જીત
આ પક્ષપલટાના કારણે ગણિત એ રીતે બદલાયું છે કે વોર્ડ નંબર 1 માં ભાજપના ઉમેદવાર પ્રહલાદ શામળા હવે બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસના ઉમેદવારના રાજીનામા અને પક્ષપલટાને કારણે ભાજપે ચૂંટણી પહેલા જ અહીં જીતનું ખાતું ખોલી દીધું છે. હાલની સ્થિતિ જોતા કોંગ્રેસના કુલ 3 ઉમેદવારો રેસમાંથી બહાર થઈ ગયા છે, જે પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે. ભાજપમાં જોડાયેલા ભૂતપૂર્વ કોંગ્રેસી ઉમેદવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો અને ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરાઈને અમે આ નિર્ણય લીધો છે.
આક્ષેપ-પ્રતિઆક્ષેપની રમત
એક તરફ ભાજપ આને વિકાસની જીત ગણાવી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સત્તા અને પ્રલોભનનો દુરુપયોગ કરી રહી છે. ચૂંટણી જીતવા માટે લોકશાહીના મૂલ્યોને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિપક્ષના ઉમેદવારો પર દબાણ બનાવીને લોકશાહીનું ગળું ઘોંટવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: પાટીદારોના ગઢમાં ભૂપેન્દ્ર 'દાદા' નો મેગા શો : વરાછા વિસ્તારમાં CM ભૂપેન્દ્ર પટેલનો જોરશોરથી પ્રચાર
વેરાવળમાં રાજકીય ગરમાવો
ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢમાં પડેલા આ ગાબડાથી કાર્યકરોમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ આ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરે છે અને વેરાવળની જનતા મતદાનના દિવસે કોના પર કળશ ઢોળે છે. હાલ તો વેરાવળમાં 'ભાજપમય' વાતાવરણ જોવા મળી રહ્યું છે.






