Home Gujarat Ahmedabad Cyber Crime Npci Finance Ministry Fraud Arrest

ફાઇનાન્સ મંત્રાલય અને NPCI ના નામે ફ્રોડ : અમદાવાદ સાયબર ક્રાઈમે ગાજિયાબાદથી બે આરોપી ઝડપ્યા

NPCI ફ્રોડ કેસમાં ઝડપાયેલા આરોપી
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Apr 29, 2026, 10:25 AM IST

અમદાવાદ શહેરમાં સાયબર ઠગાઈના વધતા કેસ વચ્ચે એક વધુ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આરોપીઓએ પોતાને ફાઇનાન્સ મંત્રાલય અને NPCI ના અધિકારી તરીકે રજૂ કરી એક વ્યક્તિ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ કાર્યરત સાયબર ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ ગેંગે ફરિયાદીને અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરીને વિશ્વાસમાં લીધો હતો. આરોપીઓએ પોતાને ક્યારેક NPCI અધિકારી, ક્યારેક IT ઓફિસર, તો ક્યારેક ફાઇનાન્સ મંત્રાલયના અધિકારી અને વકીલ તરીકે ઓળખાવીને સુનિયોજિત રીતે ઠગાઈનો જાળ બિછાવ્યો હતો. આ સમગ્ર કાવતરામાં ફરિયાદીને કુલ 47,35,874 રૂપિયાની આર્થિક નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે.

‘સરકારી લાભ’ ના નામે વિશ્વાસ જીત્યો, પછી ધીમે ધીમે લૂંટ

આરોપીઓએ સૌથી પહેલા ફરિયાદીને તેની LIC પોલિસી પર સરકાર તરફથી 10 લાખ રૂપિયાનો લાભ મળવાનો દાવો કર્યો હતો. આ લાલચથી ફરિયાદી વિશ્વાસમાં આવી ગયો હતો. ત્યારબાદ આરોપીઓએ વિવિધ પ્રકારના ટેક્સ, સ્ટેમ્પ ડ્યૂટી, પ્રોસેસિંગ ફી અને અન્ય ખર્ચના નામે વારંવાર ટ્રાંઝેક્શન કરાવ્યા.

આગળ ચાલીને આરોપીઓએ પોતાને NPCI ફંડ ટ્રાન્સફર ઓફિસર તરીકે રજૂ કરીને વધુ મોટા પ્રલોભન આપ્યું. ફરિયાદીને 1.48 કરોડ રૂપિયા મળવાના હોવાનું કહીને તેના નામે ICICI અને HDFC બેંકમાં નવા ખાતાં ખોલાવવામાં આવ્યા હતા. આ તમામ પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ નકલી આઈડી કાર્ડ અને આધાર કાર્ડની નકલો મોકલીને વિશ્વસનીયતા ઉભી કરવાની કોશિશ કરી હતી.

ગાજિયાબાદથી બે આરોપીની ધરપકડ, સિમકાર્ડ નેટવર્ક પણ બહાર આવ્યું

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં 32 વર્ષીય સુમિતકુમાર અને 27 વર્ષીય આશુ અગ્રવાલનો સમાવેશ થાય છે, બંને ગાજિયાબાદ, ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પોલીસ અનુસાર, સુમિતકુમાર ફોન પર વાતચીત કરીને ફરિયાદીને ફસાવતો હતો, જ્યારે આશુ અગ્રવાલ ગેરકાયદેસર રીતે સિમકાર્ડ ઉપલબ્ધ કરાવી આ સમગ્ર ગેંગને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડતો હતો.

તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ ગેંગ વિવિધ રાજ્યોમાં સિમકાર્ડ અને બેંક ખાતાંના નેટવર્કનો ઉપયોગ કરીને આવી ઠગાઈઓ આચરતી હતી. પોલીસ હવે આ ગેંગના અન્ય સભ્યો અને સંભવિત પીડિતોની શોધખોળમાં લાગી છે.

સાયબર ક્રાઈમથી બચવા પોલીસની અપીલ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે નાગરિકોને ખાસ ચેતવણી આપી છે કે કોઈપણ પ્રકારના ‘પોલિસી લાભ’, ‘સરકારી સહાય’ અથવા ‘મોટી રકમ મળવાની’ ઓફરથી સાવચેત રહેવું જોઈએ. અજાણ્યા નંબર પરથી આવતા ફોન કે મેસેજ પર વિશ્વાસ ન રાખવો અને કોઈપણ નાણાકીય માહિતી શેર કરતા પહેલા તેની પુષ્ટિ કરવી આવશ્યક છે.

પોલીસે લોકોને સલાહ આપી છે કે જો કોઈ શંકાસ્પદ કોલ, મેસેજ અથવા ઑનલાઈન ઠગાઈનો પ્રયાસ થાય તો તરત જ રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરવો જોઈએ. સમયસર ફરિયાદ નોંધાવવાથી નાણાં પરત મેળવવાની શક્યતા વધી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’નો આરંભ : પ્રવાસીઓ માટે સુરક્ષા અને સુવિધામાં મોટો ફેરફાર

વધતા સાયબર ગુનાઓ વચ્ચે સજાગતા જ સૌથી મોટું હથિયાર

ગુજરાત સહિત સમગ્ર દેશમાં સાયબર ઠગાઈના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે ગુનેગારો પણ વધુ આધુનિક રીતો અપનાવી રહ્યા છે. ખાસ કરીને વીમા પોલિસી, બેંકિંગ અને સરકારી યોજનાઓના નામે લોકો સાથે છેતરપિંડીના કેસ વધી રહ્યા છે.

આવા સંજોગોમાં વ્યક્તિગત સજાગતા અને ડિજિટલ સુરક્ષા જાળવવી અત્યંત જરૂરી બની ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે લોકોમાં જાગૃતિ વધારવી અને સમયસર પોલીસને માહિતી આપવી એ જ આવા ગુનાઓને અટકાવવાનો સૌથી અસરકારક રસ્તો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now