અમદાવાદ શહેરમાં ₹1.54 કરોડના શેર માર્કેટ ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલા ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ, તા. 15 ડિસેમ્બર 2025 થી 04 ફેબ્રુઆરી 2026 દરમિયાન “91 BARCLAYS-Stock Market Pioneer” નામના વ્હોટ્સએપ ગ્રુપ મારફતે શેર અને IPOમાં વધુ નફો અપાવવાના બહાને ફરીયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹1,54,00,000 વસૂલવામાં આવ્યા હતા. આરોપીઓએ https://app.portfoliobufi.icu/ જેવી ફ્રોડ લિંક મોકલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરી હતી.
આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતા કલમ 61(2)(A), 316(2), 318(4) તથા આઈ.ટી. એક્ટ કલમ 66(C), 66(D) હેઠળ ગુનો નોંધાયો છે. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે ભાવનગર, સુરત અને અમદાવાદમાં રેડ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા.
તપાસમાં બહાર આવ્યું કે બેંક કર્મચારીઓની મદદથી ખાતામાં મોબાઈલ નંબર અને ઈ-મેઈલ બદલી RBI નિયમોનું ઉલ્લંઘન કરી સ્વીપ એફડી બનાવવામાં આવતી હતી. ત્યારબાદ Tanishq જેવા જવેલર્સ શોરૂમમાં ફ્રોડની રકમથી સોનાની ખરીદી કરી નાણાં ગોલ્ડમાં રૂપાંતરિત કરાતા હતા.
ઇન્ડસઇન્ડ બેંકના ચાંદખેડા અને ન્યુ ચાંદખેડા બ્રાન્ચ સાથે જોડાયેલા મ્યુલ એકાઉન્ટ અંગે NCCRP પોર્ટલ પર દેશભરમાંથી કુલ 414 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન, 1 લેપટોપ, 7 ચેકબુક, 6 ATM કાર્ડ સહિત કુલ ₹1,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.




















