Ahmedabad News: શહેરમાં આગામી ૧૪૯મી અષાઢી બીજની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને દાણચોરી અટકાવવા ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે, જેમાં ઉત્તર પ્રદેશથી ગેરકાયદેસર હથિયારો લાવીને અમદાવાદમાં વેચવાની યોજના ઘડી રહેલા ત્રણ રીઢા ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા છે.
સારંગપુર બ્રિજ નીચેથી ઝડપાયો હથિયારોનો જથ્થો
મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે સારંગપુર વિસ્તારમાં નવા પુલ નીચે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શંકાસ્પદ યુવકો હથિયારો સાથે ત્યાં હાજર છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને વોચ ગોઠવી અને ત્રણ શંકાસ્પદ શખ્સોને દબોચી લીધા હતા. જ્યારે પોલીસે આ ત્રણેય યુવકોની તલાશી લીધી, ત્યારે તેમની પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ૪ ગેરકાયદેસર પિસ્તોલ (લાઈસન્સ વગરની), ૨ જીવંત કારતૂસ, ૧ મેગેઝિન, ૨ મોબાઈલ ફોન. પોલીસે આ તમામ વસ્તુઓ સહિત કુલ ₹૧,૮૦,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓની પ્રોફાઇલ
પકડાયેલા ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના રહેવાસી છે અને નાની ઉંમરે જ ગુનાખોરીના રસ્તે ચડી ગયા છે:
1. રોહિત જાડોન (ઉંમર ૨૦ વર્ષ) - પિતાનું નામ: જીતેન્દ્ર સિંહ ભગવાન સિંહ જાડોન
2. ભોલા તોમર (ઉંમર ૨૧ વર્ષ) - પિતાનું નામ: ફરેન્દ્ર સિંહ પદમ સિંહ તોમર
3. શિવમ શર્મા (ઉંમર ૨૨ વર્ષ) - પિતાનું નામ: સુનીલ મુન્નાલાલ શર્મા
મુખ્ય આરોપી UPનો વોન્ટેડ ગુનેગાર
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપી રોહિત જાડોન ઉત્તર પ્રદેશના આગ્રાના પિનાહટ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 0092/2026 હેઠળ વોન્ટેડ છે. તેની સામે UPમાં લૂંટ ફાટ તેમજ SC/ST એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે.
અમદાવાદમાં હથિયારો સપ્લાય કરવાનો હતો પ્લાન
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ આ તમામ હથિયારો ઉત્તર પ્રદેશથી લાવ્યા હતા અને અમદાવાદના સ્થાનિક ગુનેગારો કે અન્ય ગ્રાહકોને ઊંચી કિંમતે વેચવાની પેરવીમાં હતા. જોકે, તેઓ પોતાના મનસૂબામાં કામયબ થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમને દબોચી લીધા હતા.
અમદાવાદના સેટેલાઈટમાં ભૂવો પડ્યો : 20 ફૂટ ઊંડા ખાડામાં કાર ખાબકી, પ્રોટેક્શન વોલ ધરાશાયી
કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ
આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1-B) A અને 29 હેઠળ ગુનો નોંધીને FIR દાખલ કરી છે. રથયાત્રા નજીક હોવાથી પોલીસ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. આ હથિયારો અમદાવાદમાં કોને ડિલિવરી આપવાના હતા અને ભૂતકાળમાં તેઓ કોઈને હથિયારો આપી ચૂક્યા છે કે નહીં, તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે.





