Ahmedabad News: શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે જ અમદાવાદ શહેર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ સામે પક્ષના જ એક મહિલા કાર્યકર્તાએ ટિકિટના બદલામાં નાણાં લીધા હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
રખિયાલ સરસપુર વોર્ડના મહિલા કાર્યકર્તા ભાવનાબેન ગુપ્તાએ શહેર પ્રમુખ સોનલબેન પટેલ પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ટિકિટ અપાવવા માટે પાર્ટી ફંડના નામે તેમની પાસેથી 1 લાખ રૂપિયા એડવાન્સ લેવામાં આવ્યા હતા. ભાવનાબેનના જણાવ્યા અનુસાર, કુલ 5 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો, જેમાંથી 1 લાખ એડવાન્સ અને બાકીના 4 લાખ રૂપિયા ટિકિટ મળ્યા બાદ આપવાના હતા. ભાવનાબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે સોનલબેન પટેલ એમના ઘરની નજીક ઓલા કારમાં આવ્યા હતા અને કારમાં બેઠા બેઠા જ મારી પાસેથી રોકડા એક લાખ રૂપિયા સ્વીકાર્યા હતા. પરંતુ ઉમેદવારોના નામ જાહેર થયા બાદ મને ટિકિટ મળી નથી અને હવે સોનલબેને મારો ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું છે.
કાર્યાલય પર ઝપાઝપીના દ્રશ્યો
આ વિવાદ માત્ર આક્ષેપો સુધી સીમિત રહ્યો નથી. ભાવનાબેનનો દાવો છે કે સોનલબેન પૈસા પરત ન આપતા હોવાથી ગઈકાલે જ્યારે તેઓ રખિયાલ સરસપુર વોર્ડના મધ્યસ્થ કાર્યાલય પર આવ્યા હતા, ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો. નારાજ કાર્યકર્તા અને પ્રમુખ વચ્ચે કાર્યાલય ખાતે ઝપાઝપી પણ થઈ હોવાના અહેવાલ છે.
સોનલબેન પટેલનો પક્ષ: 50 લાખનો આક્ષેપ હોય તો ઇન્ટરવ્યુ આપીશ"
આ સમગ્ર મામલે જ્યારે સોનલબેન પટેલનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે કેમેરા સામે પ્રતિક્રિયા આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. જોકે, તેમણે ટેલિફોન પર પોતાનો પક્ષ રાખતા આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સોનલબેન પટેલે જણાવ્યું હતું કે મેં કોઈની પાસેથી પૈસા લીધા નથી. જો મારા નામે કોઈ બીજું પૈસા લઈ ગયું હોય તો મને તેની જાણ નથી. ચૂંટણીના સમયે આવા આક્ષેપો થવા સામાન્ય વાત છે. વધુમાં કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે, "શહેર પ્રમુખ કઈ 1 લાખ રૂપિયામાં થોડા પડતા હશે? જો 50 લાખનો આક્ષેપ હોય તો હું ઇન્ટરવ્યુ આપીશ."
કોંગ્રેસની છબી પર જોખમ
ચૂંટણીના ટાણે જ પક્ષના આંતરિક માળખામાં નાણાકીય લેવડદેવડના આક્ષેપો થતા વિરોધ પક્ષોને બેઠું ભાથું મળી ગયું છે. એક તરફ કાર્યકર્તા પુરાવા સાથે આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ નેતૃત્વ તેને હસી કાઢી રહ્યું છે. આ વિવાદ આગામી દિવસોમાં અમદાવાદ કોંગ્રેસ માટે મોટી મુસીબત ઊભી કરી શકે છે.






