Home Gujarat Ahmedabad Ahmedabad Bhat Psi Attack Drug Raid Crime Branch

અ'વાદમાં ડ્રગ્સ રેડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના PSI પર જીવલેણ હુમલો : આરોપીએ છરીના ઘા ઝીંક્યા, રાત્રે ખેલાયો લોહીયાળ જંગ

Ahmedabad Crime Branch PSI Attacked
Published by: Vishal Dave
Last Updated: Apr 18, 2026, 07:24 AM IST

Ahmedabad News: અમદાવાદમાં નશાના કાળા કારોબારને નાબૂદ કરવા નીકળેલી પોલીસ ટીમ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાટ ગામ પાસે ગત મોડી રાત્રે એમડી ડ્રગ્સ પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં એક PSI ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

ઘટનાની વિગત: ફિલ્મી ઢબે પીછો અને અકસ્માત

મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ભાટ ગામ પાસે ડ્રગ્સની હેરાફેરી થવાની છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જ્યારે પોલીસની ટીમે શંકાસ્પદ આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે મામલો ગંભીર બન્યો હતો. ભાગવાની ફિરાકમાં રહેલા આરોપીની કાર અને પોલીસની કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ જ્યારે પોલીસકર્મીઓ આરોપીને પકડવા નજીક પહોંચ્યા, ત્યારે આરોપીએ અચાનક તીક્ષ્ણ છરી કાઢીને PSI પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં PSIને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસની મોટી કાર્યવાહી: 300 ગ્રામ ડ્રગ્સ જપ્ત

હુમલા છતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમત હાર્યા વગર ઓપરેશન ચાલુ રાખ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી આશરે 300 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. એક આરોપીની સ્થળ પર જ ધરપકડ કરી લેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ હુમલો પોલીસના મનોબળને તોડવાનો પ્રયાસ છે, પરંતુ ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

વધુ તપાસ તેજ

હાલમાં ઇજાગ્રસ્ત પોલીસકર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ હવે એ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now