મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગોર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેશમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અમદાવાદ મહાનગરપાલિકા અને સૌ નગરજનોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોની કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવું, એ ગૌરવપૂર્ણ બાબત છે.
સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા જેવી બાબતને કેવું મોટું જનઆંદોલન બનાવી શકે છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે, એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે દેશમાં આજે બાળકોથી લઈને વૃદ્ધો સહિત સૌ કોઈ સ્વચ્છતા માટે સજાગ બન્યા છે. સ્વચ્છતા આજે સહજ સ્વભાવ બની ગઈ છે. નાનાં ગામડાંથી લઈને મહાનગર સુધી હવે 'સ્વચ્છતા જ પ્રભુતા'નો મંત્ર ગૂંજે છે. શહેરોમાં વધતી જતી વસ્તી અને શહેરીકરણના વ્યાપના પડકારોને સમસ્યા તરીકે નહીં, પણ અવસર તરીકે જોવાનો અભિગમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌમાં વિકસાવ્યો છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી કરી હતી.
શહેરી વિકાસ અંગે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 2005ના શહેરી વિકાસ વર્ષથી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે 2025માં શહેરી વિકાસ વર્ષ ઊજવીને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટનો આધાર બનાવ્યો છે. અમદાવાદ આવનારા દિવસોમાં વિશ્વ કક્ષાની રમતોનું આયોજન કરવા સજ્જ થઈ રહ્યું છે, ત્યારે શહેરમાં તેને અનુરૂપ માળખાકીય સુવિધાઓ ઊભી થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આજનો કાર્યક્ર્મ આ વિઝનને દિશા આપતો કાર્યક્રમ છે, એમ તેમણે ઉમેર્યું હતું. કાર્યક્રમ અંતર્ગત લોકાર્પણ કરવામાં આવેલા વિવિધ વિકાસ પ્રકલ્પો અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં અમદાવાદ પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ અને અર્બન ગ્રીનિંગ પોલિસી જાહેર થઈ છે. આ બંન્ને પોલિસીના અમલથી નગરજનોને સસ્ટેનેબલ, ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ મળશે. આજે રિવરફ્રન્ટમાં મૂન ટ્રેલ પાર્ક, ગ્લો ગાર્ડનનું એક નવું નજરાણું ઉમેરાઈ રહ્યું છે.
વડાપ્રધાનના નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યની દિશામાં આપણે ઇ-મોબિલિટી પર ખાસ ભાર મૂક્યો છે. ઇ મોબિલિટીને વધુ સુદૃઢ બનાવતું દેશનું પહેલું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન આજે અમદાવાદમાં કાર્યરત થઈ રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આજના આ કાર્યક્રમમાં મોટા ભાગના પ્રકલ્પો પર્યાવરણ જાળવણી સાથે શહેરી વિકાસને વેગ આપનારા છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે અમદાવાદ શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને વિવિધ ઝોનમાં કુલ ૩૨૦ જેટલા ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટ તૈયાર થયા છે. આપણે નગરોને ગ્રોથ હબની સાથે સાથે ગ્રીન હબ પણ બનાવવાનાં છે.
મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતે 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના મંત્ર સાથે શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને વિકસિત ગુજરાત @2047 રોડમેપ બનાવ્યો છે. શહેરો અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન તૈયાર થયો છે. આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે, એમ જણાવીને મુખ્યમંત્રીએ નગરો-મહાનગરો અને ગામો ગ્રીન, ક્લીન અને સ્વચ્છ બને તથા ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત અને ક્લાયમેટ રિઝીલયન્ટ શહેરો બને તે માટે સૌ કટિબદ્ધ બનીએ એવો અનુરોધ કર્યો હતો.






