ગુજરાતભરમાંથી રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવતી એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓ માટે ખૂબ જ રાહતના સમાચાર છે. સિવિલ કેમ્પસમાં જ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 'રેન બસેરા' તૈયાર થઈ ગયું છે, જે ટૂંક સમયમાં જ દર્દીઓના સગાઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ 'રેન બસેરા' 1200 બેડની હોસ્પિટલની સામે, નવા પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં નવનિર્માણ પામ્યું છે. જે ટૂંક સમયમાં ખૂલ્લું મૂકાશે.
અદ્યતન સુવિધાથી સજ્જ
800 થી વધુ લોકો રહી શકે તેવી ડોરમેટરીની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક પાર્ટિશનમાં બેડ સાથે વ્યક્તિગત સામાન મૂકવા માટે તિજોરી, બેડ પાસે ચાર્જિંગ પ્લગ, લાઈટ અને પંખાની સુવિધા ઉપલબ્ધ છે. દરેક ફ્લોર પર ભાઈઓ અને બહેનો માટે અલગ ટોઈલેટની વ્યવસ્થા છે. આ ઉપરાંત, દરેક ફ્લોર પર ત્રણ બાથરૂમ અને ત્રણ શૌચાલય બનાવવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર એક વિશાળ ડાઈનિંગ હોલ બનાવવામાં આવ્યો છે, જ્યાં એકસાથે 300 લોકો જમી શકે તે માટે ટેબલ-ખુરશીઓ અને વોશિંગ એરિયાની સુવિધા છે.
શું કહ્યું સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ??
આ રેન બસેરાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ તેનું લોકાર્પણ કરવામાં આવશે. આ સુવિધાથી દૂર-દૂરથી આવતા દર્દીઓના સગાઓને રહેવા-જમવાની પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને તેમને સિવિલ કેમ્પસમાં જ રાહત મળશે. ડો. રાકેશ જોષીનું નિવેદન પણ આ સંદર્ભે સામે આવ્યું છે, જોકે તેમના નિવેદનની વિગતો ઉપલબ્ધ નથી.






