Ahmedabad : બહેરામપુરામાં રહેતા નિવૃત વૃદ્ધને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવીને ગઠિયાઓએ રૂપિયા ૩ લાખ ખંખેરી લીધા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી હતી. જેમાં RTGSના આધારે પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસ RTGS દ્વારા ટ્રાન્સફર થયેલા રૂપિયાની લિંકથી આરોપી સુધી પહોચી હતી. અને આ કેસની તપાસ દિલ્હી સુધી પહોંચી છે.
જાણો શું બન્યું હતું...
બહેરામપુરામાં નિવૃત્તિ બાદ એકલવાયું જીવન વીતાવી રહેલા વૃદ્ધને ગઠીયાઓ દ્વારા એમ કહીને ફસાવવામા આવ્યા કે, તમારું આધાર કાર્ડ કર્ણાટક અને તામિલનાડુમાં આંતકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાયું છે. અને મુંબઈ પોલીસ તમારી ધરપકડ કરવાની છે. જો ધરપકડથી બચવા માંગતા હોવ તો આટલા રૂપિયા અમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે તેવું કહીને વૃદ્ધ પાસેથી રૂ. 3 લાખ RTGS કરાવી લીધા હતાં. બાદમાં બીજા દિવસે વધુ 7 લાખની માંગણી કરવામાં આવી હતી. આ અંગે વૃદ્ધે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં પોલીસે જે એકાઉન્ટમાં RTGS મારફતે રૂપિયા મોકલવામાં આવ્યા હતા, તે એકાઉન્ટ ધારકની વિગતો તપાસતા જાણવા મળ્યુ કે આ ગઠીયાઓ રાણીપ વિસ્તારના જ છે તેઓ રાણીપ વિસ્તારમાં આવેલ ડગા માર્કેટિંગ કમ્પાઉન્ડ અને દિગ્વિજય ફેક્ટરીની સામે જ રહે છે અને પોલીસે તેમાં શ્રવણ સાગરા અને વિવેક ઉર્ફે કોકો રાઠોડની ધરપકડ કરી હતી.બંને આરોપીની પૂછપરછમાં સુરતના એક માણસનું નામ ખુલતા એક ટીમ તાત્કાલિક સુરત રવાના કરવામાં આવી છે. ત્યારે ત્રણેય આરોપીની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું કે દિલ્હીનો એક શખ્સ ડિજિટલ અરેસ્ટનું કોલ સેન્ટર ચલાવતો હતો. અને ઝડપાયેલા શ્રવણ સાગરાનું એકાઉન્ટ તેને થોડાક રૂપિયા આપીને ભાડેથી લીધું હતું. હાલ કાગડાપીઠ પોલીસે દિલ્હી સુધી તપાસ કરવા માટે ટીમો રવાના કરવાની તૈયારી કરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ: કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો




