Home Gujarat Ahmedabad 70 Traffic Signals Off But 4 Signals Active Nava Vadaj Controversy Akhbar Nagar Subhash Bridge

ગરમીને લઈને લેવાયેલા નિર્ણયમાં ખામી? : 70 સિગ્નલો બંધ પણ આ 4 સિગ્નલો ચાલુ! સ્થાનિકોમાં ભારે વિરોધ

ગરમીને લઈને લેવાયેલા નિર્ણયમાં ખામી?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 12:24 PM IST

Ahmedabad Traffic Signal News: અમદાવાદ શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે. વાહનચાલકોને બપોરની કાળઝાળ ગરમીમાં સિગ્નલ પર ઊભા ન રહેવું પડે તે માટે તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના અંદાજે 70 જેટલા ટ્રાફિક સિગ્નલો બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણયના અમલીકરણમાં પક્ષપાત થઈ રહ્યો હોવાના આક્ષેપો સાથે નવા વાડજ વિસ્તારના રહીશોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગરમીમાં શેકાતા વાહનચાલકો હવે માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર આ વિસ્તારના ટ્રાફિક સિગ્નલોને પણ લિસ્ટમાં સામેલ કરે જેથી સ્થાનિકોને પણ ગરમીમાંથી મુક્તિ મળી શકે.

લિસ્ટમાંથી નવા વાડજના 4 મહત્વના સિગ્નલો ગાયબ!

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં નવા વાડજ વિસ્તારના અંદાજે 4 જેટલા મુખ્ય ટ્રાફિક સિગ્નલોને બાકાત રાખવામાં આવ્યા છે. જેમાં અખબાર નગર સર્કલ, વ્યાસવાડી, પલક ચાર રસ્તા અને ડી-માર્ટ પાસે આવેલા સિગ્નલોનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે આસપાસના અન્ય વિસ્તારોમાં સિગ્નલ બંધ છે, પરંતુ આ વ્યસ્ત પટ્ટા પર ટ્રાફિક સિગ્નલ ચાલુ રાખતા લોકોમાં કુતૂહલ અને ગુસ્સો બંને જોવા મળી રહ્યા છે.

અડધા કિલોમીટરમાં 4 સિગ્નલ અને 100 સેકન્ડનો વેઈટિંગ ટાઈમ

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, અખબાર નગર સર્કલથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર માંડ અડધો કિલોમીટર છે, છતાં અહીં 4 જેટલા સિગ્નલો ફાળવવામાં આવ્યા છે. આટલા ટૂંકા અંતરે આવેલા સિગ્નલોમાં પણ વેઈટિંગ ટાઈમ 100 સેકન્ડથી ઉપર રાખવામાં આવ્યો છે. બપોરના સમયે જ્યારે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો હોય છે, ત્યારે પણ વાહનચાલકોએ 45 ડિગ્રી જેવી ગરમીમાં લાંબો સમય ઊભા રહેવું પડે છે, જે સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે.

કોઈના ઈશારે સિગ્નલ ચાલુ હોવાની લોકચર્ચા

નવા વાડજમાં આ 4 સિગ્નલો બંધ ન કરવા પાછળનું કારણ શું હોઈ શકે? આ બાબત હવે સોશિયલ મીડિયા અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે. રહીશોમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું કોઈ વગદાર વ્યક્તિ કે સંસ્થાના ઈશારે આ ચાર ટ્રાફિક સિગ્નલ ચાલુ રાખવામાં આવ્યા છે? માત્ર આ જ વિસ્તારના લોકોને ગરમીમાં શેકાવા માટે મજબૂર કરવા પાછળ તંત્રની કઈ મજબૂરી છે, તેવા તીખા સવાલો સ્થાનિકો પૂછી રહ્યા છે.

સ્થાનિકોની માંગ: તાત્કાલિક અસરથી સિગ્નલ બંધ કરો

વિસ્તારના રહીશોએ માંગ કરી છે કે, જો શહેરના અન્ય 70 સિગ્નલો બંધ રહી શકતા હોય, તો અખબાર નગરથી સુભાષ બ્રિજ વચ્ચેના આ સિગ્નલો કેમ નહીં? તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક પુનઃવિચારણા કરવામાં આવે અને માનવતાના ધોરણે આ સિગ્નલો પણ બપોરે 12 થી 4 દરમિયાન બંધ રાખવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now