Home Gujarat Ahmedabad Ahmedabad 34 Year Old Murder Case Solved Vatva

અમદાવાદમાં 34 વર્ષ પહેલાંની હત્યા મામલે થયાં ખુલાસા : 17 વર્ષની ફરજાનાની હત્યા કરનાર 4માંથી 2 વ્યક્તિ છે જીવીત

ખોદકામ સમયની છબી
Published by: Niraj Chokshi
Last Updated: May 01, 2026, 11:16 AM IST

અમદાવાદ શહેરમાં ચોંકાવનારી ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે લગભગ 34 વર્ષ જુની હત્યામાં માહિતી મેળવી છે. વટવા વિસ્તારના કુતુબ નગરમાં એક બંધ મકાનમાંથી માનવ કંકાલ મળતા આ કેસ ફરી જીવંત બન્યો છે. શરૂઆતમાં પોલીસને માત્ર એટલી માહિતી મળી હતી કે એક મહિલાનો મૃતદેહ વર્ષો પહેલાં અહીં દફનાવવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મકાન છેલ્લા 8 વર્ષથી બંધ હતું અને તે શાલિયા બીબીનું હતું. આ મકાનના માલિકા શાલિયા બીબી હાલ જીવતા નથી. આસપાસના રહેવાસીઓએ પણ જણાવ્યું કે આ મકાનમાં જે કોઈ રહેવા આવે છે, તે કોઈને કોઈ રીતે મુશ્કેલીમાં પડે છે જેના કારણે વર્ષોથી આ મકાનમાં કોઈ ભાડે રહેવા પણ આવતું નથી.

મૃતક ફરજાનાની ઓળખ

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું કે મૃતક મહિલા ફરજાના ઉર્ફે શબનમ મૂળ ધોળકાની રહેવાશી હતી. વર્ષ 1992માં જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે તેના લગ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને તે પતિને છોડી પોતાના પિતાના ઘરે પરત આવી ગઈ હતી. બાદમાં ફરજાના દેહવેપારના ધંધામાં પ્રવેશી હતી જેના કારણે તેના પરિવાર સાથેનો સંબંધ પણ નબળો પડ્યો હતો. તેના વર્તનને કારણે પરિવારજનો વર્ષો સુધી તેની શોધખોળ કરી નહીં.

આ પણ વાંચો: 34 વર્ષે યુવતીએ 'ભૂત' બનીને ખોલ્યું રહસ્ય? : અમદાવાદના બંધ મકાનમાંથી 20 ફૂટ નીચે મળ્યા માનવ કંકાલ, ક્રાઈમ બ્રાંચનો ચોંકાવનારો ખુલાસો

પ્રેમ સંબંધથી હત્યા સુધી

ફરજાના દેહવેપારના ધંધા દરમિયાન શમશુદ્દીન નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં બંને વચ્ચે સંબંધ રહ્યાં હતા પરંતુ ફરજાના ધંધો બંધ ન કરતા શમશુદ્દીન કંટાળી ગયો હતો. ફરજાનાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. આ ગુનામાં શમશુદ્દીન સાથે તેનો ભાઈ ઈકબાલ અને મિત્ર અબ્દુલ કરીમ પણ જોડાયો હતો. ત્રણેયે મળીને હત્યાની યોજના ઘડી ગતી.

મોડી રાત્રે ગળું દબાવી હત્યા

યોજનાના ભાગરૂપે ફરજાના અને શમશુદ્દીન શાલિયા બીબીના મકાનમાં રોકાયા હતા. મોડી રાત્રિના સમયે શમશુદ્દીને ફરજાનાનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી. હત્યાની ઘટના બાદ ઈકબાલ અને અબ્દુલ કરીમે ઘરમાં ખાડો ખોદ્યો. ફરજાનાની લાશને ખાડામાં દાટી દેવામાં આવી અને ઉપરથી પ્લાસ્ટર કરીને તમામ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ગુનામાં કુલ 4 લોકોની સંડોવણી સામે આવી છે, જેમાં શાલિયા બીબી, શમશુદ્દીન, ઈકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમનો સમાવેશ થાય છે. આ કેસમાં અબ્દુલ કરીમ અને શાલિયા બીબીનું અવસાન થઈ ચૂક્યું છે, જ્યારે શમશુદ્દીન અને ઈકબાલ હાલમાં જીવિત હોવાનું સામે આવ્યું છે .ફરજાનાનો ભાઈ જીવિત હોવાની માહિતી મળતાં તેને શોધીને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: 1992ના જૂના હત્યા કેસનો મામલો : ખોદેલા ખાડામાંથી મળી આવ્યું માનવ કંકાલ, FSL તપાસથી ખુલશે હત્યારાના નામ

દાયકાઓ પછી મળ્યું કંકાલ

તાજેતરમાં મળેલી ગુપ્ત માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે સ્થળ પર ખોદકામ હાથ ધર્યું. આશરે 20 ફૂટ ઊંડાણ સુધી ખોદકામ કર્યાં બાદ માનવ કંકાલ મળી આવ્યો હતો. આ અવશેષોને વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં ફોરેન્સિક તપાસ દ્વારા ઓળખની પુષ્ટિ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now