અમદાવાદમાં ફરી દાદાનું બુલડોઝર ચાલ્યું છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગર વિસ્તારમાં આજે સવારે મહાનગરપાલિકા દ્વારા વિશાળ પાયે ઢાળ કામગીરી શરૂ કરવામાં આવી. અજીત મિલ ચાર રસ્તા નજીક એસ.પી. ઓફિસની પાછળ આવેલા આ વિસ્તારમાં લગભગ 400થી વધુ ઝૂંપડપટ્ટીઓ અને નાની-મોટી કાચી-પાકી વસતિઓ સ્થપાયેલી હતી, જેને માત્ર બે કલાકમાં પાંચ JCB અને આઠથી વધારે હીટાચી મશીનોની મદદથી જમીનદોજ કરવામાં આવી.
સવારના સમયે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં AMCના ઉત્તર ઝોનની એસ્ટેટ ટીમે પોલીસના કડક બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી. આશરે બે કલાકના સમયગાળામાં પાંચ JCB અને આઠથી વધુ હીટાચી મશીનોના સહયોગથી અંદાજે 450 જેટલી અનધિકૃત રચનાઓ જમીનદોજ કરાઈ.
અકબરનગરના રહેવાસીઓને અગાઉથી વિસ્તાર ખાલી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નોંધનીય છે કે, વર્ષ 2014માં અહીંના 221 પરિવારોને વટવા વિસ્તારમાં સ્થાયી રહેવા માટે ઘર ફાળવવામાં આવ્યાં હતાં, તેમ છતાં તેમાંથી અનેક પરિવારો હજુ સુધી જૂના સ્થળે જ વસવાટ કરી રહ્યા હતાં.
તોડફોડ બાદ વિસ્તારમાં ઉપજેલા કાટમાળને દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ તંત્રએ કડક તકેદારી રાખી હતી જેથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાઈ નહીં.
તો બીજી તરફ રખિયાલ વિસ્તારમાં ગરીબનગર નજીક આજે સવારે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા વિશાળ પાયે તોડફોડ કાર્યવાહી હાથ ધરવામાં આવી. આશરે 15,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફરતાં સ્થાનિકોમાં અરેરાટી છવાઈ હતી.
AMC દ્વારા 268, 269 અને 267 સર્વે નંબરો હેઠળ આવેલી જમીન પર બનેલા અનધિકૃત 450 જેટલા કાચા અને પાકા ઘરોને તોડી પાડવાનો કાર્યક્રમ છે. આ કામગીરી માટે ઉત્તર, મધ્ય અને પૂર્વ ઝોનની ટીમો સંકળાઈ છે. કુલ 14 મશીનરી કામે લાગી છે જેમાં 5 JCB અને 9 હિટાચી મશીન સામેલ છે.
તોડફોડના આ મેગા ઓપરેશનમાં AMCના 100 જેટલા કર્મચારીઓ હાજર રહ્યા છે, જ્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પણ તગડો બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસે બે ACP કક્ષાના અધિકારીઓ, 9 PI, 27 PSI અને 400 જેટલા પોલીસ જવાનો તૈનાત કર્યા છે. ઉપરાંત 10 SRP સેકશનોને પણ તોડફોડમાં જોડવામાં આવ્યા છે.
સ્થાનિક રહેવાસીઓએ તંત્રની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી, જોકે અધિકારીઓએ જણાવ્યું કે અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને સરકારી જમીન પરથી ગેરકાયદેસર કબજો હટાવવો ફરજિયાત હતો.





