પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNGના સતત વધતા ભાવોએ સામાન્ય નાગરિકો અને ખાસ કરીને રિક્ષાચાલકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં અદાણી ગેસ દ્વારા ફરી એક વખત CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા દર મુજબ અમદાવાદમાં CNGનો ભાવ હવે ₹86.02થી વધીને ₹88.02 પ્રતિ કિલો થઈ ગયો છે. છેલ્લા બે મહિનામાં અંદાજે ₹6 જેટલો વધારો નોંધાતા વાહનચાલકોના માસિક ખર્ચમાં સીધી અસર જોવા મળી રહી છે.
આ સતત ભાવવધારાને કારણે ખાસ કરીને ઓટોરિક્ષા ચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે બીજી તરફ CNG, વાહન મેન્ટેનન્સ, ઈન્સ્યોરન્સ અને સ્પેર પાર્ટ્સના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં રોજિંદા ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
રોજની કમાણી પર સીધી અસર
અમદાવાદમાં હજારો રિક્ષાચાલકો રોજના ધંધા પર નિર્ભર છે. સામાન્ય રીતે એક રિક્ષાચાલકને દિવસ દરમિયાન 4થી 5 કિલો CNGનો વપરાશ થતો હોય છે. આવા સંજોગોમાં પ્રતિ કિલો ₹2નો વધારો સીધી રીતે દૈનિક ખર્ચમાં વધારો કરે છે. રિક્ષાચાલકોના જણાવ્યા અનુસાર, સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે આવક અને ખર્ચનું સંતુલન જાળવવું મુશ્કેલ બનતું જાય છે.
એક તરફ મુસાફરો ભાડામાં વધારો સ્વીકારવા તૈયાર નથી, જ્યારે બીજી તરફ CNGના વધતા ભાવને કારણે રોજનું નફાકારક સંચાલન મુશ્કેલ બની રહ્યું છે. ઘણા રિક્ષાચાલકોનું કહેવું છે કે હાલની સ્થિતિમાં EMI, ઘરભાડું અને પરિવારના ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું ભારે પડતું થઈ રહ્યું છે.
રિક્ષાચાલકોની ચક્કાજામ અને ગાંધીનગર કૂચની ચીમકી
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે CNGના સતત વધતા ભાવોથી રિક્ષાચાલકોની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા બે મહિનામાં ₹6થી ₹8 સુધીનો ભાવ વધારો થઈ ચૂક્યો છે અને સરકાર તરફથી કોઈ રાહત કે ભાડા વધારાની જાહેરાત કરવામાં આવી નથી.
તેમણે આરોપ લગાવ્યો કે અદાણી ગેસ દ્વારા વારંવાર ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે રિક્ષાચાલકો આર્થિક રીતે દબાણમાં આવી ગયા છે. યુનિયન દ્વારા ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી છે. સાથે જ જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી 1 જૂને ચક્કાજામ કરી ગાંધીનગર સુધી રિક્ષા રેલી કાઢવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રિક્ષાચાલકો દ્વારા હડતાળની પણ ચેતવણી આપવામાં આવી છે. તેઓનું કહેવું છે કે જો ભાડામાં વધારો નહીં થાય અથવા CNGના ભાવમાં ઘટાડો નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: કચ્છના દરિયામાં 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું : ગુજરાત ATS-કોસ્ટગાર્ડની મોટી કાર્યવાહી
'મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ'
રિક્ષાચાલક છાનાભાઈએ જણાવ્યું હતું કે રોજબરોજ વધતા CNGના ભાવને કારણે જીવનનિર્વાહ મુશ્કેલ બન્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, 'દર થોડા દિવસે ભાવ વધારો થઈ રહ્યો છે. EMI, ઘરભાડું અને પરિવારના ખર્ચ વચ્ચે હવે બચત તો દૂર, ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.' તેમણે વધુમાં જણાવ્યું કે CNGના ભાવમાં વધારો થવાથી સીધી અસર નાના કમાણીદાર વર્ગ પર પડી રહી છે. ખાસ કરીને દિવસભર રોડ પર રહેતા રિક્ષાચાલકો માટે હાલની સ્થિતિ વધુ કપરું સ્વરૂપ ધારણ કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી સિદ્ધિ : કાલુપુર ફ્લાયઓવર પર 1200 ટન સ્પાન લોન્ચ
સામાન્ય નાગરિકો પર પણ વધતો બોજ
CNGના ભાવમાં સતત વધારો માત્ર રિક્ષાચાલકો પૂરતો મર્યાદિત નથી. ખાનગી વાહનચાલકો, કેબ ડ્રાઈવરો અને CNG આધારિત ટ્રાન્સપોર્ટ સેવાઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે. ઘણા પરિવારો હવે ફરીથી વાહન ખર્ચનું બજેટ ગોઠવવા મજબૂર બન્યા છે.
આગામી સમયમાં જો CNGના ભાવમાં વધુ વધારો થશે તો તેની સીધી અસર જાહેર પરિવહનના ભાડા અને દૈનિક જીવનખર્ચ પર પડી શકે છે. હાલમાં લોકો સરકાર અને ગેસ કંપનીઓ તરફથી રાહતની અપેક્ષા રાખી રહ્યાં છે.





