ભારતમાં ફિલ્મ અને રાજકારણ વચ્ચેનો સંબંધ લાંબા સમયથી જોવા મળે છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં અનેક અભિનેતાઓએ માત્ર લોકપ્રિયતા જ નહીં, પરંતુ સત્તા સુધી પહોંચવાની ક્ષમતા પણ સાબિત કરી છે. તમિલનાડુમાં 2026ની ચૂંટણી પછી વિજયના ઉદય સાથે ફરી એકવાર આ ચર્ચા તેજ બની છે કે શું તેઓ પણ અભિનેતા થી મુખ્યમંત્રી બનનાર નેતાઓની યાદીમાં સામેલ થશે?
ફિલ્મી લોકપ્રિયતા રાજકીય સફળતામાં પરિવર્તિત થવાનું દક્ષિણ ભારતનું મોડેલ અનોખું છે. અહીં અભિનેતાઓ માત્ર મનોરંજન પૂરતા મર્યાદિત રહેતા નથી, પરંતુ તેઓ સામાજિક અને રાજકીય પ્રભાવશાળી ચહેરા બની જાય છે.
એન.ટી. રામા રાવ

નંદમૂરી તારક રામા રાવ, જેને એનટીઆર તરીકે ઓળખવામાં આવે છે, આંધ્રપ્રદેશના રાજકારણમાં સૌથી પ્રભાવશાળી અભિનેતા-રાજકારણી રહ્યા છે. 1982માં તેમણે તેલગુ દેશમ પાર્ટી સ્થાપી અને માત્ર થોડા મહિનામાં જ સત્તા સુધી પહોંચી ગયા.તેમણે પોતાના ફિલ્મી ઈમેજનો ઉપયોગ કરી લોકોમાં વિશ્વાસ જીત્યો અને ગરીબ વર્ગ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી. એનટીઆરનું ઉદાહરણ આજે પણ અભિનેતાઓ માટે પ્રેરણારૂપ છે.
એમ.જી. રામચંદ્રન

એમ.જી. રામચંદ્રન જેમને એમજીઆર તરીકે ઓળખવામાં આવે છે, તમિલનાડુના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક રહ્યા છે. ફિલ્મોમાં તેમના હીરો ઈમેજે તેમને રાજકારણમાં વિશાળ સમર્થન અપાવ્યું. AIADMK પાર્ટીના સ્થાપક તરીકે તેમણે લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી અને ગરીબો માટેની યોજનાઓથી પોતાની છાપ મૂકી.
જયલલિત્તા

જે. જયલલિત્તા પણ ફિલ્મી દુનિયામાંથી રાજકારણમાં આવ્યા હતા. તેઓ એમજીઆરના નજીકના સાથીદાર હતા અને પછી AIADMKનું નેતૃત્વ સંભાળ્યું. તેમણે અનેક વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યું અને રાજ્યમાં મજબૂત રાજકીય નેતૃત્વ પૂરું પાડ્યું. “અમ્મા” તરીકે ઓળખાતી જયલલિત્તાએ લોકકલ્યાણકારી યોજનાઓ દ્વારા લોકોમાં લોકપ્રિયતા મેળવી.
આ પણ વાંચો: તમિલનાડુમાં સત્તા માટે સંઘર્ષ : શું વિજય પોતાના 'વિજય' માટે લેશે કાયદાનો સહારો
જાનકી રામચંદ્રન

એમજીઆરના મૃત્યુ પછી, તેમની પત્ની અને અભિનેત્રી જાનકી રામચંદ્રન મુખ્યમંત્રી બન્યા. તેમનો કાર્યકાળ ફક્ત 24 દિવસ ચાલ્યો હોવા છતાં, તેઓ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા. દક્ષિણ ભારતીય રાજકીય ઇતિહાસમાં જાનકી રામચંદ્રનનું નામ સુવર્ણ અક્ષરોમાં કોતરાયેલું છે.
એમ.કરુણાનિધિ

એમ. કરુણાનિધિ સીધા અભિનેતા ન હોવા છતાં ફિલ્મ લેખક તરીકે જાણીતા હતા. તેમનું ફિલ્મ જગત સાથેનું જોડાણ તેમને રાજકારણમાં પ્રભાવશાળી બનાવ્યું. તેમણે DMK પાર્ટીને મજબૂત બનાવી અને લાંબા સમય સુધી તમિલનાડુની રાજનીતિમાં કેન્દ્રસ્થાને રહ્યા.
વિજય હાલમાં તમિલનાડુના રાજકારણમાં સૌથી ચર્ચિત ચહેરા બની ગયા છે. તેમની પાર્ટી TVKએ તાજેતરની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વિજયની લોકપ્રિયતા ખાસ કરીને યુવાનોમાં ખૂબ ઊંચી છે. તેમની ફિલ્મો અને સામાજિક મુદ્દાઓ પરના નિવેદનો તેમને સામાન્ય લોકો સાથે જોડે છે.
અભિનેતાથી નેતા સુધી
અભિનેતા માટે રાજકારણમાં સફળ થવા માટે માત્ર લોકપ્રિયતા પૂરતી નથી. મજબૂત સંગઠન, રાજકીય સમજ, ગઠબંધન ક્ષમતા અને પ્રશાસનનો અનુભવ જરૂરી છે. વિજય માટે આ તમામ પાસાઓની કસોટી હવે શરૂ થઈ છે. તેઓ સરકાર બનાવી શકે કે નહીં તે તો સમય જ બતાવશે, પરંતુ તેમની એન્ટ્રી એ નિશ્ચિત રીતે તમિલનાડુની રાજનીતિને નવી દિશા આપી છે.





