Home Gujarat Action Taken In Surat Grain Scam Case

સુરતમાં અનાજ કૌભાંડ મામલે કાર્યવાહી : ડભોલીની કે-40 દુકાન સીલ, ખાનગી ગોડાઉનમાંથી જથ્થો જપ્ત

સુરતમાં અનાજ કૌભાંડ મામલે કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 11:59 AM IST

સુરત શહેરમાં અનાજ કૌભાંડનો ભાંડો ફૂટતાં ભારે ચકચાર મચી છે. સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાનમાંથી ગરીબોને મળતું અનાજ સગેવગે થતું હોવાની શંકા વચ્ચે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને જનતારેડ પર ઉતર્યા હતા. લોકોના વિરોધ બાદ જિલ્લા પુરવઠા વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

દુકાનને સીલ મારી દેવામાં આવી

મળતી માહિતી મુજબ ડભોલી ખાતે આવેલી કે-40 નંબરની વ્યાજબી ભાવની દુકાનમાંથી અનાજ ખાનગી ગુણીમાં ભરીને અન્યત્ર ખસેડવામાં આવતું હતું. તપાસ દરમિયાન સંબંધિત દુકાનને સીલ મારી દેવામાં આવી છે. સાથે જ ખાનગી ગોડાઉનમાં સંગ્રહાયેલો મોટો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ગેરરીતિના સંકેતો મળતા મામલો વધુ ગંભીર બન્યો છે.

મોટા માથાઓની સંડોવણી હોવાની શંકા

સ્થાનિક સ્તરે ચર્ચા છે કે, સમગ્ર કૌભાંડમાં મસમોટા માથાઓની સંડોવણી હોઈ શકે છે. હિમાંશુ, નાગજી, કૈલાસ, બંસીધર અને રાહુલ નામના ઇસમોના નામ ચર્ચામાં આવ્યા છે. ચર્ચા મુજબ જો આ લોકોની કોલ રેકોર્ડિંગની સઘન તપાસ કરવામાં આવે તો અનાજ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે. અગાઉ સચિન વિસ્તારમાં પણ અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું. ડભોલીનો મામલો પણ તે જ રીતે સંચાલિત થતો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. સરકારી ગોડાઉનમાંથી જથ્થો બારોબાર સગેવગે થતો હોવાની રાવ વચ્ચે હવે સમગ્ર કેસ પર તંત્રની કડક નજર છે.

સ્થાનિકોમાં ભારે રોષ

સ્થાનિકોમાં ભારે રોષ છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હવે તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને તંત્ર આ કૌભાંડના મૂળ સુધી પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now