Home Gujarat Action Taken Against Qureshi Gang In Junagadh Under Gujasitok

જૂનાગઢમાં કુરેશી ગેંગ સામે પોલીસની લાલ આંખ : ભાજપના ચાલુ કોર્પોરેટર સામે 'ગુજસીટોક' હેઠળ ગુનો નોંધાયો, 4 સામે કાર્યવાહી

જૂનાગઢમાં કુરેશી ગેંગ સામે પોલીસની લાલ આંખ
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 07:34 AM IST

જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી કુરેશી ગેંગ સામે હવે પોલીસએ કડક કાર્યવાહી કરી છે. દસ વર્ષથી વધુ સમયથી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી આ ટોળકી સામે ગુજરાત સંગઠિત અપરાધ નિવારણ કાયદા (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધીને પોલીસે લાલ આંખ કરી છે.

ભાજપના કોર્પોરેટર સામે નોંધાયો ગુજસીટોકનો ગુનો

જૂનાગઢ વોર્ડ નંબર 3ના ભાજપના ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. આ સાથે તેમના ભાઈ અને પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો ઈબ્રાહિમ કુરેશી તેમજ અન્ય બે શખ્સ મળી કુલ ચાર આરોપીઓ સામે ગુજસીટોકની કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના કોર્પોરેટર સામે આ કડક કાયદા હેઠળ કાર્યવાહી થતા રાજકીય અને શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

કુરેશી ગેંગ સામે પોલીસની લાલ આંખ

પોલીસ રેકોર્ડ મુજબ, કુરેશી ગેંગ સામે છેલ્લા દસ વર્ષ દરમિયાન હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી, પોલીસ પર હુમલો સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ટોળકી દ્વારા અત્યાર સુધીમાં 28થી વધુ ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત જુગારધામ ચલાવવું, આર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદેસર હથિયારો રાખવા તેમજ સાયબર છેતરપિંડી જેવા ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

પોલીસની કડક કાર્યવાહી

ગંભીર ગુનાહિત ઇતિહાસ અને વારંવાર કાયદા સાથે અથડામણ બાદ અંતે પોલીસે સંગઠિત અપરાધ નિવારણના આ કડક કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે વોર્ડ નંબર 3માં ભાજપની આખી પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી હતી, જેમાંથી એક સભ્ય હવે જેલના સળિયા પાછળ જશે તેવું પોલીસ સૂત્રોનું કહેવું છે. જૂનાગઢ પોલીસના આ પગલાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now