Truck Accident : ભાવનગરથી અમદાવાદને જોડતા શોર્ટ નેશનલ હાઈવે પર આજે એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ શોર્ટ હાઈવે પર આવેલા દસ નાળા પાસે એક કન્ટેનર ટ્રક અકસ્માતે પલટી મારી ગયો હતો. ઘટનાના કારણે હાઈવે પર થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.
ટ્રકનો ચાલક વાહન પરનો કાબુ ગુમાવી બેઠો હતો
પ્રાપ્ત માહિતી મુજબ કન્ટેનર ટ્રકનો ચાલક વાહન પરનો કાબુ ગુમાવી બેઠો હતો, જેના પરિણામે ટ્રક હાઈવે ડિવાઇડર તોડીને માલેશ્રી નદીના પુલ પર લટકાઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે જો ટ્રક નદીમાં પડી ગઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
પોલીસે તપાસ હાથધરી
આ અકસ્માતને કારણે નેશનલ હાઈવે પર વાહન વ્યવહારને અસર પહોંચી હતી અને અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત વિભાગની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ કરવા કામગીરી શરૂ કરી હતી. પોલીસ દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એક વખત હાઈવે પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવી છે.





















