અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પાલડી વિસ્તારમાંથી ઈડરનો રહેવાસી કિરીટકુમાર પ્રભુદાસ પટેલને દબોચી લીધો છે. આરોપીએ રૂપિયા 85 લાખના ચેક રિટર્ન કેસમાં સજા ભોગવી રહ્યો હતો, પરંતુ જુલાઈ 2022માં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને પોલીસે તેની શોધખોળ હાથધરી હતી.
આરોપી પાસેથી હથિયારો ઝડપાયા
ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ દરમિયાન તેની પાસે થી પિસ્તોલ, બે મેગેઝીન અને 45 જીવેતા કારતૂસ મળી આવતા તેને હથિયાર રાખવાના ગુનામાં પણ ઝડપવામાં આવ્યો છે.
પૂછપરછમાં મોટો ખુલાસો
પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે વડોદરાના એક ગેસ્ટ હાઉસમાં તેણે અન્ય હથિયારો, એક વધુ પિસ્તોલ અને 19 કારતૂસ છુપાવી રાખ્યા છે. આ મામલે વડોદરા પોલીસે અલગ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી વર્ષોથી ચેક રિટર્ન કેસમાં ફરાર થયેલો અને હથિયારો સાથે સંકળાયેલો આ આરોપી આખરે કાયદાના ચંગુલમાં સપડાયો છે.






