Home Gujarat Aap State President Isudan Gadhvi Hits Out At Bjps

''ગામડાઓમાં માત્ર ભાજપના નેતાઓનો જ વિકાસ થયો'' : AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનના ભાજપ પર આકરા પ્રહાર

''ગામડાઓમાં માત્ર ભાજપના નેતાઓનો જ વિકાસ થયો''
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 08:59 AM IST

પાટણ જિલ્લાના રાધનપુર અને બનાસકાંઠાના કાંકરેજમાં આજે એક મોટું રાજકીય ફેરફાર જોવા મળ્યું. આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં, ભાજપ અને કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓએ AAPમાં જોડાયા છે. જોશીબેન સહિત અનેક લોકો ભાજપ અને કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

મુકેશભાઈ ઠક્કરે AAPમાં કરી ઘર વાપસી

કાંકરેજ વિધાનસભાના આમ આદમી પાર્ટીના 2022ના ઉમેદવાર રહેલા મુકેશભાઈ ઠક્કરે હવે પાર્ટીમાં ફરીથી ઘર વાપસી કરી છે. મુકેશભાઈ ઠક્કરના પુનર્જોડાણ સાથે કાંકરેજના અરડુવાડા ગામમાં પણ મોટો રાજકીય પરિવર્તન જોવા મળ્યો હતો. અહીં ગામના સરપંચ સહિત 100થી વધુ સ્થાનિક આગેવાનો અને સામાજિક નેતાઓએ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. આ દરમિયાન ઈસુદાન ગઢવીએ કહ્યું કે, “આમ આદમી પાર્ટી હવે સમગ્ર ગુજરાતમાં તેજીથી આગળ વધી રહી છે. અરૂવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આપણે લોકોને આશાનું પથ બતાવી રહ્યા છીએ. હાલની સ્થિતિ એ છે કે અત્યાર સુધી ગુજરાતમાં જાતિ અને જ્ઞાતિ પર આધારિત રાજકારણ થયુ છે, જેના કારણે રાજ્યનું ખૂબ જ શોષણ થયું છે.”

'ગામડાઓમાં માત્ર ભાજપના નેતાઓનો જ વિરાસ થયો''
ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, “ભાજપે રાવણની જેમ ધર્મનો ખેસ પહેરીને ગુજરાતને લૂંટ્યું છે. ખાસ કરીને ઠાકોર સમાજનું ખૂબ જ શોષણ કર્યું છે. 30 વર્ષથી સત્તામાં હોવા છતાં આજે પણ ઠાકોર સમાજને યોગ્ય હક અને અધિકાર મળ્યા નથી.” ઈસુદાન ગઢવીએ વધુમાં ઉમેર્યું કે, “ગામડાઓમાં જો વિકાસ થયો છે તો તે માત્ર ભાજપના નેતાઓનો થયો છે, સમાજના સામાન્ય લોકો પાછળ જ રહ્યા છે. ચૌધરી અને ઠાકોર સમાજના લોકો હજુ પણ પોતાના હક્ક માટે લડી રહ્યા છે.” ઉત્તર ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓને ઉદાહરણ રૂપે રજૂ કરતાં તેમણે કહ્યું, “ખેતી કરતાં ખેડૂતને દૂધના પણ યોગ્ય ભાવ મળતા નથી. આવી અનેક સમસ્યાઓ છે જેનું એકમાત્ર સમાધાન એ છે કે હવે લોકો ભાજપને હટાવે.”

''હવે લોકોને નવી આશા AAPમાં દેખાઈ રહી છે”
આ પ્રસંગે ઈસુદાન ગઢવીએ કહ્યું કે, “ભાજપ અને કોંગ્રેસમાંથી અનેક ઈમાનદાર આગેવાનો હવે AAPમાં જોડાયા છે. હવે ગુજરાતમાં પરિવર્તન માટેની લહેર ચાલી રહી છે.” તેમણે ભાજપ પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, “ભાજપે ધર્મના નામે ગુજરાતને લૂંટી કાઢ્યું છે. સમાજ અને જાતિવાદના નામ પર વોટ લેવામાં આવ્યા છે, પરંતુ સામાન્ય જનતાનો વિકાસ થયો જ નથી.” ઈસુદાન ગઢવીએ એ પણ ઉમેર્યું કે “ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ખેડૂતો ભાજપના શાસનથી ત્રસ્ત થયા છે. ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા તૈયાર કોઈ નથી. હવે લોકોને નવી આશા AAPમાં દેખાઈ રહી છે” આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ જણાવ્યુ કે, “તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનો ઝંડો ઊંચો લહેરાશે.” બીજી તરફ પાર્ટીના આગેવાન સાગર રબારીએ સ્પષ્ટ કહ્યું કે, “સમસ્ત જાતિ-જ્ઞાતિના લોકો હવે એક થઈને ભાજપ સામે લડી રહ્યા છે.”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now