Gandhinagar News: આજે વિધાનસભાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થા મુદ્દે ગૃહમંત્રી માટે એક સવાલ હતો. પરંતુ મારો પ્રશ્ન પ્રાથમિકતામાં આવરી લેવામાં આવ્યો નહીં, જેના કારણે ગૃહમાં આ પ્રશ્ન મુદ્દે ચર્ચા થઈ નથી પરંતુ સરકારનો જે જવાબ મળ્યો છે તે જવાબનું વિશ્લેષણ કરીને તેની માહિતી જનતા સુધી પહોંચાડવી જરૂરી છે.
સરકાર સલામતીના બમણા ફૂંકતી હોય છે પરંતુ જે આંકડા સામે આવ્યા છે તેનાથી આંખો ફાટી જાય એવી સ્થિતિ છે. મારો સવાલ હતો કે અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલા લોકો પાસે હથિયારના લાયસન્સ છે અને કેટલા લોકોએ નવા લાયસન્સ માંગ્યા. ત્યારબાદ જે જવાબ સામે આવ્યો તેનાથી લાગશે કે આપણે ત્યાં બિહાર જેવો માહોલ છે. સુરતમાં 2,882 લોકો પાસે હથિયારના લાયસન્સ છે અને 185 કરતાં વધુ લોકોએ નવા હથિયારના લાયસન્સ માંગ્યા છે.
અમદાવાદમાં 5231 લોકો પાસે હથિયારના લાયસન્સ છે બીજા 325 જેટલા લોકોએ નવા હથિયારના લાયસન્સ માંગ્યા છે. તો અમદાવાદ અને સુરતના મળીને 8,000 લોકો પાસે હથિયારના લાયસન્સ છે અથવા માંગ્યા છે એનો મતલબ એવો થાય છે કે લોકોને સરકાર પર અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર તથા પોલીસ તંત્ર પર કોઈ ભરોસો નથી. એટલે આ લોકોએ પોતાના સ્વરક્ષણ માટે સરકાર પાસેથી હથિયારના લાયસન્સ માંગ્યા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે આટલી મોટી સરકાર, પોલીસ તંત્ર, મોટા ગૃહમંત્રી, એસઆરપી, હોમગાર્ડ, એસઓજી, CID, ક્રાઈમ બ્રાન્ચ છે, એટલે કે અનેક વ્યવસ્થાઓ હોવા છતાં પણ લોકોએ પોતાના રક્ષણ માટે બંદૂકો લઈને જ ફરવાનું, તો સરકારનો મતલબ શું? અને જો સ્વરક્ષણ લોકોએ જાતે જ કરવાનું હોય તો ફક્ત 8000 લોકોને શા માટે? આખા ગુજરાતના લોકોને રિવોલ્વર આપી દો. તો કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો આજે આ પ્રશ્નના જવાબમાં સરકારે જે જવાબ આપ્યો એ જવાબથી એ પણ સાબિત થાય છે કે ગુજરાતમાં લોકો જાનમાલની કે પ્રોપર્ટીની સલામતી નથી અનુભવતા માટે વધુમાં વધુ લોકો હથિયારના લાઇસન્સ માંગી રહ્યા છે. અને સરકારે પણ લાયસન્સ રદ કરવાના બદલે આપવાનું ચાલુ કર્યું છે.
પોલીસનો ઉપયોગ સામાન્ય જનતાની સુરક્ષા માટે નહીં પણ વિપક્ષને દબાવવા માટે થાય છે. ગઈકાલે રાત્રે 2:00 વાગે અમદાવાદ શહેરના આગેવાન અમજદ ખાન પઠાણના ઘરે SOG પોલીસ ગયા, સવાર સુધી તમાશો કર્યો, ઘરની મહિલાઓને અડધી રાત્રે હેરાન કરવામાં આવી. આજે આખા ગુજરાતની પોલીસ જનતાની સુરક્ષા કરવાની જગ્યાએ ભાજપની સુરક્ષા કરે છે, ભાજપના નેતાઓના ઇશારે કામ કરે છે અને જનતા ભગવાન ભરોસે છે, જેથી લોકો હથિયારના લાયસન્સ માંગી રહ્યા છે. સરકારે અને હર્ષ સંઘવીએ એ પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે શા માટે આટલા લોકો હથિયારના લાયસન્સ લઈ રહ્યા છે અને શા માટે સરકાર આટલા બધા હથિયારના લાયસન્સને મંજૂરી આપે છે.





