Home Gujarat Aap Mla Chaitar Vasava Made Serious Allegations Against The Government

'સરકાર ખનીજ માફિયાઓને ફાયદો પહોંચાડવાની તૈયારીમાં છે' : AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

'સરકાર ખનીજ માફિયાઓને ફાયદો પહોંચાડવાની તૈયારીમાં છે'
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 12:51 PM IST

Aravalli Bachao Case : સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ખાતે આયોજિત 'અરવલ્લી બચાવો' AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સભાને સંબોધતા ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, 'સરકાર ઉદ્યોગપતિઓના કહેવાથી અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલીને ખનીજ માફિયાઓને ફાયદો પહોંચાડવાની તૈયારીમાં છે'. તેમણે કહ્યું કે 'સરકારે ખનીજ માફિયાઓ માટે લાલ જાજમ પાથરી છે અને અરવલ્લીમાં ખનન કરવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે. તેમના મતે સરકાર જળ, જંગલ અને જમીન લૂંટાવી દેવા માંગે છે, જે સમગ્ર સમાજ માટે ઘાતક સાબિત થશે'.

'અમે પહાડો અને જંગલોને ક્યારેય લૂંટાવા દઈશું નહીં'

ચૈતર વસાવાએ કહ્યું કે 'આ પહાડો સરકારના બનાવેલા નથી, પરંતુ હજારો વર્ષોથી અડીખમ ઊભેલા છે.' તેમણે ઉમેર્યું કે, 'અમે પહાડો અને જંગલોને ક્યારેય લૂંટાવા દઈશું નહીં. અરવલ્લી પર્વતમાળામાં થનારા અતિક્રમણને તેમણે સમગ્ર માનવ જાતિ માટે વિનાશકારી ગણાવ્યું હતું'. સભામાં ચૈતર વસાવાએ આવનારી લડતની જાહેરાત કરતા કહ્યું કે, 'અરવલ્લી બચાવવા માટે અમે ગાંધીનગર તરફ કૂચ કરીશું'. તેમણે વધુમાં કહ્યું કે, 'જ્યારે રાજસ્થાન અને હરિયાણાના લોકો દિલ્હીનું આહ્વાન કરશે, ત્યારે ગુજરાતમાંથી પણ હજારો લોકો દિલ્હી જશે'.

'જો અરવલ્લી નહી બચે તો નદીઓ પણ સુકાઈ જશે'

તેમણે સ્પષ્ટ કર્યું કે, 'જળ, જંગલ અને જમીનના વિનાશથી થતો વિકાસ અમને સ્વીકાર્ય નથી અને વિકાસના નામે અમે એક પણ ઇંચ જમીન આપીશું નહીં'. ચૈતર વસાવાએ જણાવ્યું કે, 'અરવલ્લીના પહાડો વાતાવરણને સંતુલિત રાખવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. જો અરવલ્લી નહી બચે તો નદીઓ પણ સુકાઈ જશે અને આવનારી પેઢીઓ માટે ગંભીર સંકટ ઊભું થશે. આ સભા દ્વારા અરવલ્લી બચાવવાનો સંદેશ વધુ મજબૂતીથી આગળ આવ્યો હોવાનું જોવા મળ્યું હતું'.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now