વિસાવાદરના AAP MLA ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં જૂતાથી થયેલા હુમલાને લઈને આજે વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના અનેક વિસ્તારોમાંથી કાર્યકરો ધરણા અને રેલી સાથે જોડાયા હતા. આ દરમિયાન ભાજપ–કોંગ્રેસ હાય હાયના નારા લગાવાયા હતા અને કાર્યકરોએ બંને પક્ષને કોંગ્રેસ–ભાજપ “સમજૂતી એક્સપ્રેસ” ગણાવીને આક્ષેપો કર્યા હતા.
''ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈ AAP ને ટાર્ગેટ કરી રહ્યા છે”
AAP કાર્યકરોએ જણાવ્યું કે, “ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. લોકો પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. એ જ ભયથી ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈ AAP ને ટાર્ગેટ કરી રહ્યા છે” કાર્યકરોનું કહેવું છે કે 'તેમની સભાઓ, રેલીઓ અને જાહેર કાર્યક્રમો અટકાવવા માટે વિવિધ રીતોથી દબાણ બનાવવામાં આવે છે'.
“ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે''
પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ગોપાલ ઇટાલિયા પર થયેલા હુમલાની કડક નિંદા કરતા કહ્યું કે, “આ હુમલાની અમે કડકમાં કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. આજે અમે અહીં ધરણાં અને પ્રદર્શન દ્વારા વિરોધ નોંધાવી રહ્યા છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “ભાજપ સત્તામાં છે, અને જ્યારે કાયદો–વ્યવસ્થા કથળી જાય, ત્યારે સ્વાભાવિક રીતે સત્તાધારી પક્ષ જવાબદાર ગણાય છે.” કાર્યકરોએ આરોપ લગાવ્યો કે બંને મોટા પક્ષોની “સમજૂતી એક્સપ્રેસ” ચાલુ છે, પરંતુ હવે “ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે અને લોકો વિકલ્પ તરીકે AAP તરફ વળી રહ્યા છે''.






