આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી મોટી AAP સંગઠનને લઈ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ''આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાઓને જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે અને આ એક ક્રાંતિની શરૂઆત છે. ફક્ત છ દિવસમાં આમ આદમી પાર્ટીએ 150થી વધુ જનસભાઓનું આયોજન કર્યું. આ 150થી વધુ ગુજરાત જોડો જનસભાઓમાં કુલ 1 લાખથી પણ વધુ લોકો જોડાયા હતા અને એક આંદોલનનો ભાગ બન્યા હતા. બે મહિનામાં આમ આદમી પાર્ટી આ રીતની કુલ 2000 સભાઓ કરશે. અત્યાર સુધી ફક્ત છ દિવસમાં 5,000થી વધુ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકર્તાઓની સાથે સાથે સામાજિક આગેવાનો, ખેડૂત આગેવાનો, વેપારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા''.
''આજે લાખો લોકો જોડાઈ રહ્યા છે''
વધુમાં ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ''આમ આદમી પાર્ટીએ જે મિસકોલ નંબર જાહેર કર્યો હતો તેના પર મિસકોલ કરીને 5 લાખથી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હાલની તારીખમાં પણ દરરોજ 10થી 15 હજાર લોકો આમ આદમી પાર્ટીમાં મિસકોલ કરીને જોડાઈ રહ્યા છે. તેનાથી આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાઓને ખૂબ જ ઉર્જા મળી રહી છે. આજે લાખો લોકો જોડાઈ રહ્યા છે, તે કોઈ આંકડો નથી પરંતુ ભાજપની સામે જે લોકો ગુસ્સામાં છે અને આમ આદમી પાર્ટી તરફ એક ઉમ્મીદની નજરથી જોઈ રહ્યા છે આ એવા લાખો લોકો છે. આમ આદમી પાર્ટી નવા લોકોને તક આપવામાં માને છે અને લોકો ખૂબ જ ઉમ્મીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે અમે ફરી એકવાર એક નવા અભિયાનને લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.
''જન્માષ્ટમી પર એક ઉમેદવારી ફોર્મ જાહેર કરશું અને તક આપીશું''
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, ''જન્માષ્ટમીના તહેવારના દિવસે આમ આદમી પાર્ટી એક ઉમેદવારી ફોર્મ જાહેર કરવા જઈ રહી છે. જે લોકો સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, જે લોકોને કોઈ રાજકીય સંબંધો નથી, જે લોકો ગુજરાતમાં બદલાવ લાવવા માંગે છે, આવા તમામ પ્રકારના લોકોને અમે મોકો આપવા જઈ રહ્યા છીએ. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે લોકો ચૂંટણી લડવા માંગે છે તે લોકો માટે અમે ફોર્મ જાહેર કરીશું. યુવાનો, ખેડૂતો, મહિલાઓ, બેરોજગારો, કર્મચારીઓ, વ્યાપારીઓને હું આમ આદમી પાર્ટીની જનક્રાંતિમાં જોડાવા માટે આમંત્રણ આપું છું. ભાજપ અને કોંગ્રેસના પણ જે નીચેના કાર્યકર્તાઓ છે તે લોકોને પણ અમે આમ આદમી પાર્ટી આમંત્રણ આપીએ છીએ. જે પણ લોકો ભાઈ ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારથી ત્રાહિત છે તે તમામ રાજકીય અને બિન રાજકીય અનુભવવાળા લોકોને અમે આમંત્રણ આપી રહ્યા છીએ''.
''કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ આંખો ખુલી ગઈ''
તેમણે કહ્યું કે, ''વિસાવદરમાં જે રીતે કોંગ્રેસે પોતાના ઉમેદવારને ઊભા રાખીને ભાજપને હરાવવાની જગ્યાએ આમ આદમી પાર્ટીને હરાવવાની કોશિશ કરી તે ઘટનાથી કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ આંખો ખુલી ગઈ છે અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હવે ગુજરાતના સામાન્ય લોકોને ફક્ત આમ આદમી પાર્ટીથી જ ઉમ્મીદ છે માટે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલા હાથે લડશે, કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરશેનહીં.''






