સોમવારની રાત્રે અમદાવાદમાં બે યુવાનો પર અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. પીડિતોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર ઈજા થઈ હતી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના રાત્રે તૈનાત PCR વાહનથી માત્ર થોડા મીટર દૂર બની હતી, જ્યાં અધિકારીઓ ઊંઘી રહ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ કિન્નરોએ રોષે ભરાઇ પોલીસ અધિકારીઓને જગાડ્યા, જેનો વીડિયો વાયરલ થયો છે.
બાપુનગરમાં અપશબ્દો બોલવાને લઇ 2 યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. મોડી રાત્રે ખેલાયેલા ખૂની ખેલ બાદ હંગામાથી ગભરાયેલા સ્થાનિક રહેવાસીઓ ઘટનાસ્થળે ભેગા થયા હતા અને અધિકારીઓને તેમના વાહનમાં સૂતા જોયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી લોકોમાં રોષ ફેલાયો છે. પોલીસની બેદરકારી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
સુરક્ષાની દ્રષ્ટિએ બેદરકારીની આ ઘટના સામે આવ્યા બાદ બાપુનગર પોલીસ વિવાદમાં આવી છે. ત્યારે અમદાવાદ પોલીસે પણ આ ઘટનાને લઇને પ્રતિક્રિયા આપી. અમદાવાદ પોલીસે કહ્યું કે, સમગ્ર ઘટનાને લઇને તપાસ ચાલી રહી છે. જે બાદ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.





