Gujarat Weather Update: આ વર્ષે હવામાનમાં અનોખો ફેરફાર જોવા મળી રહ્યો છે, જ્યાં એપ્રિલ મહિનામાં પણ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન કાળઝાળ ગરમી રહેતી હોય છે, પરંતુ અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે ગરમીમાંથી થોડી રાહત મળી છે. મંગળવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં કરા, તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
9 એપ્રિલ માટે ચેતવણી
India Meteorological Department દ્વારા 9 એપ્રિલ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા મુજબ સક્રિય પશ્ચિમી વિક્ષેપ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના સંયુક્ત પ્રભાવને કારણે દેશના અનેક ભાગોમાં વરસાદ, વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના વિસ્તારોમાં 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં આ ઝડપ 70થી 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ
હવામાન વિભાગ મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં તોફાની પવન અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
13 એપ્રિલ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી!
ગુજરાતના હવામાન અંગે વાત કરીએ તો, આગામી 13 એપ્રિલ સુધી રાજ્યમાં વરસાદની કોઈ આગાહી નથી. આગામી 48 કલાક દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ બેથી ચાર ડિગ્રી સુધી વધારો થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 11થી 13 એપ્રિલ દરમિયાન ભેજવાળા અને ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે, જેનાથી ઉકળાટનો અનુભવ થઈ શકે છે.
આ પણ વાંચો: વડોદરામાં એકાએક વાતાવરણમાં પલટો : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ, પાદરામાં 'તાંડવ' જેવી સ્થિતિ
મંગળવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અરવલ્લી, ખેડા, મહેસાણા, વડોદરા, અમદાવાદ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક સામાન્ય વરસાદ નોંધાયો હતો. મેઘરજ, બાયડ અને કપડવંજના વિસ્તારોમાં કરા સાથે ભારે પવન ફૂંકાતા રસ્તાઓ પર સફેદ ચાદર જેવો દૃશ્ય જોવા મળ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધવા લાગી છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.






