Home Gujarat A Woman Passengers Bag Worth Rs 6 Lakh Stolen At Surendranagar St Bus Stand

સુરેન્દ્રનગરમાં ST બસ સ્ટેન્ડમાં સામાન અસલામત? : મહિલા મુસાફરના 6 લાખ ચોરાયા, બસ સ્ટેન્ડમાં CCTV ના નામે ઠાગાઠૈયા, મુસાફરોમાં રોષ

સુરેન્દ્રનગરમાં ST બસ સ્ટેન્ડમાં સામાન અસલામત?
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 11:30 AM IST

Surendranagar ST bus stand theft: સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ ખાતે ધ્રાંગધ્રા-ધંધુકા રૂટની એસટી બસમાં બેઠેલી એક મહિલા મુસાફરની રોકડ રૂપિયા અને સોનાના દાગીના સહિત કુલ અંદાજે ₹6 લાખની કિંમતની બેગની ચોરી થઈ જતાં વેપારી અને મુસાફર વર્ગમાં ભારે ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને બસ સ્ટેન્ડ પર સીસીટીવી કેમેરા ન હોવાનું બહાર આવતાં મુસાફરોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

મહિલા મુસાફરને પોતાની બેગ ગુમ થયાનું ધ્યાન

મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રા તરફથી ધંધુકા જઈ રહેલી એસટી બસ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પર આવીને ઉભી રહી હતી. આ દરમિયાન એક મહિલા મુસાફર પોતાની બેગ સીટ પર મૂકીને બસની બહાર નીચે ઉતરી હતી. બસ બસ સ્ટેન્ડમાંથી ઊપડી અને વઢવાણ રોડ પર પહોંચી ત્યારે કંડક્ટરે મુસાફરો પાસે ટિકિટના નાણાં માંગ્યા હતા. આ દરમિયાન મહિલા મુસાફરને પોતાની બેગ ગુમ થયાનું ધ્યાન આવ્યું અને તેને ખ્યાલ આવ્યો કે બસ સ્ટેન્ડ પર કોઈ અજાણ્યા શખ્સે તેની બેગ ઉપાડીને ફરાર થઈ ગયો છે.

સોનાના દાગીના સહિત કુલ ₹6 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ

બેગમાં રોકડ રૂપિયા તથા સોનાના દાગીના સહિત કુલ ₹6 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ હોવાનું મહિલાએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં વઢવાણ બસ સ્ટેન્ડ ખાતે બસને રોકવામાં આવી હતી અને તમામ મુસાફરો તથા તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. પરંતુ ચોરી બસ સ્ટેન્ડ પર જ થઈ હોવાથી કોઈ પુરાવો મળ્યો નહીં. આખરે બસને સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવી અને મહિલા મુસાફરની ફરિયાદ નોંધવામાં આવી છે.

ઘટનામાં શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવામાં મુશ્કેલી

સૌથી મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ પર હજુ સુધી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. આ કારણે ચોરીની આ ઘટનામાં શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડી રહી છે. આવી ઘટનાઓ અગાઉ પણ અનેક વખત બની ચૂકી છે, જેને લીધે મુસાફરોમાં એસટી વિભાગ સામે રોષ વ્યાપ્યો છે.

આસપાસના વિસ્તારના સીસીટીવી આધારે શોધખોળ

મુસાફરોનું કહેવું છે કે રાજ્યના અન્ય મોટા બસ સ્ટેન્ડો પર સીસીટીવી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત છે, પરંતુ સુરેન્દ્રનગર જેવા મહત્વના જંક્શન પર આટલી મોટી બેદરકારી કેમ? એસટી નિગમના અધિકારીઓએ આ મામલે તાત્કાલિક સીસીટીવી સ્થાપવાની અને મુસાફરોની સલામતી માટે વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવાની માંગ મુસાફરો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.બી-ડિવિઝન પોલીસ હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે ચોરની શોધખોળ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ