Home Gujarat A Touch Of Nature At Mall In Garden In Surat

સુરતમાં ‘મોલ ઇન ગાર્ડન’માં પ્રકૃતિનો સ્પર્શ : 'ફ્લાવર ઓફ વેલી', મોલમાં 4 લાખથી વધુ છોડ

સુરતમાં ‘મોલ ઇન ગાર્ડન’માં પ્રકૃતિનો સ્પર્શ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 09:13 AM IST

Surat Flower of Valley : આ કાશ્મીરની નહીં પરંતુ સુરતની ફ્લાવર ઓફ વેલી છે. પૃથ્વીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરની ફ્લાવર વેલી વિશે તો સૌ કોઈ જાણે છે, પરંતુ હવે ફ્લાવર વેલી જોવા માટે કાશ્મીર સુધી જવાની જરૂર નથી. કારણ કે સુરતમાં જ એવી અનોખી ફ્લાવર વેલી તૈયાર થઈ રહી છે, જેને જોતા કોઈને પણ અચંબો થાય. આજના સમયમાં જ્યારે શહેરો કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ રહ્યા છે, ત્યારે સુરતમાં એક એવો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, જે ‘ગાર્ડન ઇન મોલ’ નહીં પરંતુ ‘મોલ ઇન ગાર્ડન’ તરીકે ઓળખાશે. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા ‘આશીર્વાદ હાઈ સ્ટ્રીટ’ શોપિંગ સેન્ટરમાં પર્યાવરણ અને આધુનિકતાનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. આ ગાર્ડન મોલ ચાર લાખથી વધુ વિવિધ પ્રકારના છોડોથી સજ્જ બનતો જઈ રહ્યો છે અને પર્યાવરણપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

6 માળના મોલમાં પ્રકૃતિનો સ્પર્શ

આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા મહેન્દ્ર રાઠીએ જણાવ્યું હતું કે, આ કુલ 6 માળનું શોપિંગ સેન્ટર છે. જેમાંથી 4 માળ શોપિંગ માટે અને 2 માળ ફૂડ તથા મનોરંજન માટે ફાળવવામાં આવ્યા છે. અહીં મલ્ટીપ્લેક્સ, ફૂડ કોર્ટ, ગેમ ઝોન અને કાફે જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, પરંતુ આ તમામ સુવિધાઓની વચ્ચે પ્રકૃતિને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે.

છ અલગ-અલગ પ્રકારના બગીચાઓ

આ મોલની સૌથી મોટી ખાસિયત તેમાં તૈયાર કરવામાં આવેલા છ પ્રકારના અલગ-અલગ ગાર્ડન છે. મોલના બાહ્ય ભાગમાં ટેરેસ ગાર્ડન અને સ્ટેપ ગાર્ડન બનાવવામાં આવ્યા છે, જ્યાં પગથિયાં આકારના હરિયાળા બગીચાઓ પ્રકૃતિનો અનોખો અનુભવ કરાવશે. અહીં ‘વેલી ઓફ ફ્લાવર્સ’ ખાસ આકર્ષણ છે, જેમાં જાપાનથી મંગાવવામાં આવેલા ખાસ રંગબેરંગી ફૂલોના છોડ લગાવવામાં આવ્યા છે, જે કાશ્મીરની ફ્લાવર વેલીની યાદ અપાવે છે. તે ઉપરાંત ઓર્કિડ ગાર્ડન અને ટ્રોપિકલ ગાર્ડન પણ તૈયાર કરાયા છે, જેમાં ઇન્ડોર પ્લાન્ટ્સ માટે ખાસ ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત મોલના બેઝમેન્ટ વિસ્તારમાં પણ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં પાર્કિંગ સહિતના નીચેના વિસ્તારોમાં નેચરલ પ્લાન્ટ્સનું આકર્ષક કલેક્શન જોવા મળશે.

4 લાખથી વધુ છોડ અને વિશાળ ટીમ

આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ એમ.ડી. ગોપાલભાઈનું દ્રષ્ટિવંત વિચાર છે. તેઓ સ્વયં પ્રકૃતિપ્રેમી છે અને છેલ્લા 6 વર્ષથી આ પ્રોજેક્ટ પર સતત કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં અંદાજે 200 લોકોની ટીમ કાર્યરત છે, જેમાં 100 માળી, 50 સિક્યુરિટી ગાર્ડ અને 50 હાઉસકીપિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં આ ગાર્ડન મોલ સુરતની નવી ઓળખ બનશે, જ્યાં લોકો શોપિંગની સાથે સાથે શુદ્ધ હવા, હરિયાળી અને પ્રકૃતિની નજીક રહેવાનો અનુભવ પણ માણી શકશે. સુરતની આ ‘ફ્લાવર ઓફ વેલી’ ખરેખર શહેરના જીવનમાં તાજગી લાવતું એક અનોખું આકર્ષણ બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now