Home Gujarat A Total Of Over 19 Lakhs Of Fraud In Three Cases Inthe Eastern Area Of The City

અમદાવાદના ત્રણ કિસ્સામાં કુલ 19 લાખથી વધુની છેતરપિંડી! : આ રીતે અનેક લોકો પાસેથી લાખોનો લગાવ્યો ચૂનો

અમદાવાદના ત્રણ કિસ્સામાં કુલ 19 લાખથી વધુની છેતરપિંડી!
Published by: OBS Bureau
Last Updated: May 23, 2025, 02:24 PM IST

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ઠગાઇના ત્રણ કિસ્સા સામે આવ્યા છે. જેમાં કુલ 19 લાખથી વધુની ઠગાઇ આચરવામાં આવી છે. જેમાં ગોમતીપુરમાં પેપરના માલસામાનના રૂ. 8.84 લાખ લઇને ગઠિયાએ ડ્રાઇવર સાથે મળીને માલસામાન ન મોકલીને ઠગાઇ આચરી છે. ત્યારે ઓઢવમાં ઠગ ભાઇ-બહેને ફેક કંપનીઓ ઉભી કરીને દુબઇમાં પણ કંપનીઓ છે તેમજ રોકાણમાં માસિક 6 ટકા વળતરની લાલચ આપીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. ત્યારે વટવા જીઆઇડીસીમાં ગુજરાત એસટી વિભાગમાં સિનિયર ક્લાર્કની નોકરી અપાવવાનું કહીને બે ગઠિયાએ યુવક પાસેથી રૂ. 97 હજાર પડાવ્યા હતા. ત્રણેય બનાવોમાં પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

ઘટના - 1 ન્યૂ મણિનગરમાં રહેતા ભંવરસિંહ રાજપૂત ગોમતીપુરમાં ઓફિસ ધરાવી પેપર રોલના કટિંગનો ધંધો કરે છે. બે મહિના પહેલા તેમને ગાંધીધામના એજન્ટ જયેશભાઇ દ્વારા ઉમા કોર્પોરેશનના માલિક ક્રિશ પટેલ સાથે મુલાકાત થઇ હતી. બાદમાં ક્રિશ ભંવરસિંહની ઓફિસે આવ્યો હતો અને બંને વચ્ચે ધંધાકીય વાતચીત થઇ હતી. બાદમાં ક્રિશે વિશ્વાસ કેળવવા શરૂઆતના માલસામાન મોકલ્યો હતો તેના રૂપિયા પણ ભંવરસિંહે મોકલી આપ્યા હતા.

બાદમાં છત્રાલમાં પેપર રોલનો કુલ રૂ. 8.84 લાખનો માલસામાન મોકલવાનું જણાવીને ક્રિશ પટેલે રૂપિયા મેળવ્યા હતા. આટલું જ નહિ ક્રિશે ડ્રાઇવર ગણેશ ત્રિવેદીને બે દિવસ મૂકી રાખવાના અને ભંવરસિંહને ખોટુ બોલવાના રૂ. 28 હજાર આપ્યા હતા. પરંતુ માલસામાન ક્રિશે મોકલ્યો ન હતો. તેમજ ચેક અને ખોટા રૂપિયા પરત આપ્યાના ખોટા સ્ક્રીન શોટ મોકલ્યા હતા. આ અંગે ભંવરસિંહે ગણેશ અને ક્રિશ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોધાવી છે.

ઘટના - 2 નરોડામાં રહેતા અરવિંદભાઇ પટેલ વેપારી મહામંડળ ખાતે ફેકટરી ધરાવી ધંધો કરે છે. તેમની ફેકટરીમાં જાનવીબેન જોશી મેનેજર તરીકે નોકરી કરે છે. જાનવીબેનની મિત્ર સ્વીટીબેન શાહ અવારનવાર ફેકટરીએ આવતી હોવાથી અરવિંદભાઇ સાથે સંપર્ક થયો હતો. ગત વર્ષ 2022માં જાનવીબેને અરવિંદભાઇને કહ્યુ કે સ્વીટી અને તેનો ભાઇ પ્રતીક શાહ ક્વીક સ્ટાર્ટ 24 ગ્રુપ છે જેમાં એન.લાઇફ કેપ્સ્યોર એલ.એલ.પી કંપની છે. તેમાં સ્વીટી મેનેજર અને પ્રતિક ડાયરેકટર છે. જે શેરબજાર, રીયલ એસ્ટેટ, કેપીટલ ફાઇનાન્સ, ફિલ્મ મેકિંગ સહિતના ધંધામાં રોકાણ કરે છે. તેમાં સારો નફો મળે છે. બાદમાં પ્રતિક અને સ્વીટી અરવિંદને મળવા આવ્યા હતા અને તેમને ત્રણ સુપર માર્ટ મોલ છે અને સમગ્ર ભારતમાં 150થી વધુ મોલ ખોલવાનો ટાર્ગેટ છે. તેમાં આઇપીઓ લાવવાના છે તેમાં રોકાણ કરશો તો સારો ફાયદો થશે.

તેમજ ક્વીક સ્ટાર્ટ 24 ગ્રુપમાં કુલ 12 કંપનીઓ છે અને દુબઇમાં તેમની 5 કંપની છે. તેમજ વેબસાઇટમાં રોકાણ કરશો તો 6 ટકા માસિક વળતર આપશે તેમ બતાવ્યુ હતુ. બાદમાં બંનેએ લોભામણી લાલચ આપીને જાનવીબેન અને અરવિંદભાઇ પાસેથી રોકાણના બહાને કુલ રૂ. 10 લાખ પડાવ્યા હતા. બાદમાં તપાસ કરતા બંને ઠગ ભાઇ-બહેને અનેક લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. જેમાં ભાઇ પ્રતિક અને તેનો ભાગીદાર હર્ષિલ દુબઇ ફરાર થઇ ગયા છે. તેમજ સ્વીટીને ફોન કરતા તેને બદનક્ષીના ખોટા કેસમાં ફસાવી અને લુખ્ખાઓને બોલાવી માર મારવાની ધમકી આપી હતી. આ અંગે અરવિંદભાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં બંને ઠગ સામે ફરિયાદ નોધાવી છે.

ઘટના - 3 ખોખરામાં રહેતા ગૌરાંગભાઇ ગજ્જર વટવા જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જેમાં તેમની કંપનીમાં કોમ્પ્યુટર રિપેરીંગ કરવા માટે આશિષ ક્રિશ્ચિયન આવતો હતો. જેથી ગૌરાંગભાઇને સંપર્ક થયો હતો. બાદમાં આશિષે જણાવ્યુ કે તેનો મિત્ર નિલેશ મકવાણા જે બોરસદમાં રહે છે તેને ગુજરાત એસટી વિભાગમાં ઓળખાણ છે અને નોકરી અપાવે છે. તમારે નોકરી જોઇએ તો રૂપિયા લઇને અપાવશે. જેમાં નિલેષે જણાવ્યુ કે હાલમાં એસટી વિભાગમાં સિનિયર ક્લાર્કની જગ્યા ખાલી છે તેના રૂ. 70 હજાર થશે તેમાં નોકરી અપાવી દઇશ તેમ જણાવ્યુ હતુ. બાદમાં નિલેષે ગૌરાંગભાઇને વડોદરા એસટી સ્ટેન્ડમાં બોલાવ્યો હતો અને ડોક્યુમેન્ટ આપ્યા હતા.

બાદમાં વેરીફિકેશન સહિતના ચાર્જ પેટે કુલ રૂ. 97 હજાર પડાવી લીધા હતા. આટલું જ નહિ એપોઇનમેન્ટ લેટર પણ મેઇલથી મોકલ્યો હતો પરંતુ તેમાં એસટી વિભાગનો લોગો ન હોવાથી તપાસ કરાવતા આવી કોઇ જગ્યા ખાલી પડી નથી જેથી ઠગાઇની જાણ થઇ હતી. બાદમાં નિલેષને ફોન કરતા ચેક આપ્યો હતો પરંતુ બેન્કમાં ભરતા બાઉન્સ થયો હતો. પરંતુ આજ સુધી પરત કર્યા ન હતા. આ અંગે ગૌરાંગભાઇએ નિલેષ અને આશિષ સામે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોધાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now